સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th March 2020

શિહોરની સર્વોત્તમ ડેરીના કર્મચારીની હત્‍યા

ડેરીમાં ગાળો બોલવાની ના પાડતા ભોયા ભરવાડે છરીના ૪ ઘા ઝીંકી દીધા : પાંચ દિ' પહેલા ઝઘડો થયેલ જેની દાઝ રાખી : ભાવેશ જોષીનો ભોગ લેવાયો : આરોપીની ધરપકડ

ભાવનગર તા. ૧૯ : ભાવનગરની સર્વોત્તમ ડેરીના કર્મચારીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્‍યા થઇ છે.

ખુનના આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા અને સિહોરમાં આવેલ સર્વોત્તમ ડેરીમાં નોકરી કરતા પલેવાળ બ્રાહ્મણ યુવાન ભાવેશ બાલાશંકર જોષી (ઉ.વ.૩૨) ની ડેરી પાસે મોડી રાત્રીના બે વાગે ભરવાડ ભોયા કસોટીયા નામના શખ્‍સે છરી વડે છાતીના ભાગે ત્રણ ઘા અને પેટના ભાગે એક ઘા ઝીંકી કરપીણ હત્‍યા કરી નાસી છુટયો હતો.

મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ થતાં સિહોર પોલીસનો કાફલો અને ડેરીના ચેરમેન સહિતનો સ્‍ટાફ દોડી આવ્‍યો હતો.

આ બનાવ અંગે મૃતક ભાવેશના મિત્ર જયેશ ગીરજાશંકર જાનીએ સિહોર પોલીસ સ્‍ટેશનમાં ભોયા કસોટીયા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપી ભોયાને ઝડપી લીધો હતો. આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્‍ટેશનના પી.આઇ. કે.ટી.ગોહિલ ચલાવી રહ્યા છે.

ખુનના કારણમાં મૃતક યુવાને આરોપી ડેરીમાં ગાળો બોલતો હોય ગાળો આપવાની ના પાડતા પાંચ દિવસ પહેલા ઝઘડો થયો હતો અને તેની દાઝી રાખી મોડી રાત્રે છરીના ઘા ઝીંકી હત્‍યા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

 

 

(11:16 am IST)