મોરબી અદાલતમાં કોરોના સામે તમામ આગોતરા પગલા

મોરબી, તા.૧૯: અહીંની કોર્ટમાં સ્કેનીંગ કરી અને સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝા દ્વારા કોરોના અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પક્ષકારોએ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં વ્યકિતગત રીતે હાજર રહેવું નહિ, જયુડિશયલ ઓફિસરો, તમામ વકીલો, પક્ષકારો અને સ્ટાફ કર્મચારીઓએ એકબીજાનું અભિવાદન, હસ્તધૂનનની જગ્યાએ નમસ્તે કરવું. પોતાના હાથ વ્યવસ્થિત રીતે સાફ કરવા, કોર્ટમાં હાજર રહેનાર તમામ વ્યકિતના સ્કીનીંગ માટે જરૂરી સંખ્યામાં ટેમ્પરેચર ગન/ થર્મલ સ્કેનર મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ઉપલબ્ધ થયાથી ટેમ્પરેચર ગન/ થર્મલ સ્કેનર દ્વારા સ્ક્રીનીંગ કરાવ્યા બાદ જ જે તે વ્યકિતઓને કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે કોર્ટ દ્વારા વકીલો અને પક્ષકારોની ગેરહાજરી બાબતે તેમની સામે કોઈ ગંભીર કે આક્ર પગલા/ નોંધ લેવા નહિ કોરોના વાયરસ ફેલાય નહિ તેની સાવચેતીના ભાગરૂપે કોર્ટ સંકુલમાં કોર્ટ સ્ટાફ, વકીલો, પક્ષકારો અને પોલીસ કર્મચારીઓએ સામુહિક રીતે એક જગ્યાએ ભેગા થવાનું કે ટોળામાં ઉભા રહેવાનું ટાળવું.
તમામ જયુડીશ્યલ ઓફિસરો અને નાઝરઓએ તેમની કોર્ટ અને સમગ્ર કોર્ટ સંકુલમાં નિયમિત પણે સફાઈ કરાવડાવવી, નગરપાલિકા સાથે સંકલન સાધી કોર્ટ સંકુલમાં જરૂરી દવાઓનો છંટકાવ કરી જંતુમુકત બનાવવી.
તમામ વકીલોને તેમના અસીલોને મુદતના દિવસે હાજર રહેવા માટે આરોપી/સાહેદોને , કોર્ટમાં એકલા હાજર રહે, અન્ય વ્યકિતઓને કોર્ટમાં સાથે લાવવા નહિ તેવી સુચના આપવી, તમામ કોર્ટ સ્ટાફ કર્મચારીઓ તા. ૩૧ સુધી બાયોમેટ્રિક હાજરી પુરવામાં ફકત ફેઈસ ડીટેકશનનો જ ઉપયોગ કરવાનો રહેશે, ફિંગર પ્રિન્ટ હાજરી પૂરવી નહિ તેવી સુચના આપી છે.