કચ્છમાં કોરોના ઇફેકટ : દુબઇથી આવેલ મહિલા કોરોનાની શંકાસ્પદ દર્દી : મુન્દ્રા અદાણી પોર્ટનું કામકાજ ચાલુ
ભુજ એરપોર્ટ પર સ્ક્રીનીંગ શરૂ : કચ્છમાં હેલ્પલાઇન પણ શરૂ કરાઇ

ભુજ તા. ૧૯ : કચ્છમાં કોરોના વાયરસ સામે લેવાઈ રહેલ જાગૃતિ વચ્ચે વધુ એક કેસ સામે આવ્યો છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે મુન્દ્રાના ૭૧ વર્ષીય વૃદ્ઘ મહિલાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને ભુજ મધ્યે સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. ગઈકાલે રાત્રે દાખલ કરાયેલ આ મહિલા દર્દી પાંચ દિવસ પહેલાં દુબઈ થી વતન મુન્દ્રા આવ્યા હતા.
જોકે, દુબઈમાં આ મહિલાએ એક મહિના સુધી શરદી, કફની સારવાર લીધી હતી. આ મહિલા દર્દીના સેમ્પલ લઈને વધુ તપાસ માટે જામનગર મોકલવામાં આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધીમાં કોરોના ના ચાર શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ત્રણ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે, આ મહિલાના રિપોર્ટ ઉપર તંત્રની નજર છે.
દરમ્યાન મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, પોર્ટનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે. વિદેશી જહાજોની અવરજવર ધરાવતા મુન્દ્રા પોર્ટનું કામકાજ બંધ હોવાના અહેવાલો ખોટા છે. કોરોના સામેની સાવચેતીના ભાગ રૂપે સલામતીના પગલાં ભરાઈ રહ્યા છે.
વિદેશી જહાજોના ક્રુ મેમ્બર્સનું સ્ક્રીનીંગ કરાઈ રહ્યું છે. પોર્ટ ઉપર તબીબી સુવિધા ઉભી કરાઈ છે. અહીં આવતા ટ્રક ચાલકો, મજદૂરો સૌને કોરોના સામે સાવધાની રાખવા અંગે જાણકારી અપાઈ રહી છે.(