રંજન ગોગોઇની નિમણુંક બીન રાજકીય શ્રેણીમાં થઇ છેઃ કમલેશ જોશીપુરા

રાજકોટ, તા., ૧૯: ભારતની સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમુર્તિપદેથી નિવૃત થયેલ જસ્ટીસ રંજન ગોગોઇને રાજયસભામાં નિયુકત સભ્યોની શ્રેણીમાં સ્થાન અપાયેલ છે તે સંદર્ભે પ્રો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે કે આ નિયુકતી તો બીન રાજકીય સ્વરૂપની છે પણ ભુતકાળમાં તો પક્ષના સતાવાર ઉમેદવાર તરીકે રાજયસભામાં મોકલાયેલ હોય તેવા ઉદાહરણો છે.
ડો. કમલેશ જોશીપુરાએ જણાવેલ કે રાજયસભાનાં ૧ર સભ્યોમાં સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો બીરાજે છે ત્યારે ન્યાય ક્ષેત્રમાંથી પણ કોઇની નિયુકિત થાય તે યોગ્ય જ છે. બંધારણીય વ્યવસ્થા મુજબ અનુચ્છદે ૮૦ કલોઝ-૧ (એ) મુજબ સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન-કરનાર મહાનુભાવોમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુકત કરવાની જોગવાઇ છે, જે સંપૂર્ણ બીન રાજકીય છે. જયારે પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંગનાથ મીશ્રા તો ૧૯૯૮ માં કોંગ્રેસનાં સતાવાર ઉમેદવાર બની રાજયસભામાં ગયેલા છે. શ્રી રંગનાથ મીશ્રાની પસંદગી ખુદ કોંગ્રેસ અધ્યક્ષાજીએ કરેલી હતી.