રોણકીના જમીન કૌભાંડમાં વધુ બેની ધરપકડ
કૌભાંડમાં સામેલ યુવરાજસિંહ ચુડાસમાને દબોચી લઇ જયારે રમેશ રાણાનો જેલમાંથી કબ્જો લઇ બંન્નેની પુછતાછ કરતી ક્રાઇમ બ્રાન્ચઃ અગાઉ બેની ધરપકડ કરાઇ'તી

તસ્વીરમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા તથા પીઆઇ ગઢવી પ્રત્રકારોને માહીતી આપતા નજરે પડે છે. બીજી તસ્વીર પકડાયેલ બંન્ને આરોપીઓની છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૯: રોણકી ગામની કરોડો રૂપીયાની કિંમતી જમીનના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રોણકી ગામે આવેલ ફરીયાદી રમેશભાઇ બાબુભાઇ પરસાણાની માલીકીની સર્વે નં. ૪૭ પૈકીની જમીન હે.આ.રે. ચો.મી. રપર.૬૪ પચાવી પાડવા તેમજ વાંધામાં નાખવા કાવત્રુ રચી બોગસ મુખત્યારનામુ ઉભુ કરી તેના આધારે બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આચરાયેલ જમીન કૌભાંડ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી અને આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરાઇ હતી.
આ કૌભાંડમાં સામેલ આરોપીઓને ઝડપી લેવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર સૈની-ઝોન-૧ તથા મનોહરસિંહજી જાડેજા ઝોન-ર ની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એમ.ગઢવી તથા સ્ટાફે વોચ ગોઠવી કૌભાંડમાં સામેલ યુવરાજસિંહ રવુભા ચુડાસમા (રહે. વિનાયક વાટીકા, શેરી નં. ર, જામનગર રોડ, રાજકોટ, મૂળ ગામ ઝાંઝમેર)ને ગોંડલ રોડ ચોકડી આગળથી દબોચી લઇ ધરપકડ કરી હતી. તેમજ આ કૌભાંડમાં સામેલ રમેશ રાણાભાઇ મકવાણા (રહે. નાનામવા) અન્ય ગુન્હામાં જેલમાં હોય તેનો ક્રાઇમ બ્રાન્ચે જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરી હતી. પકડાયેલ બંન્ને શખ્સોની વધુ પુછતાછ હાથ ધરાઇ છે. આ જમીન કૌભાંડમાં અગાઉ જયરાજસિંહ મહીપતસિંહ રાણા તથા પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજાની ધરપકડ કરાઇ હતી.