મુંજકાની અતુલ શેઠની કિંમતી જમીન પચાવી પાડવાના કોૈભાંડમાં હનુમાન મઢીના પૃથ્વીરાજસિંહ ઉર્ફ ટેમભા પરમારની ધરપકડ

રાજકોટઃ એક વર્ષ પુર્વે મુંજકામાં આવેલી અતુલભાઇ દિલસુખભાઇ શેઠની જમીનમાં બનાવટી સાટાખત ઉભુ કરી જમીન પચાવી પાડવાના પુર્વયોજીત કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચે પૃથ્વીરાજસિંહ ઉર્ફ ટેમભા વજેસિંહ પરમાર (રહે. હનુમાન મઢી પાસે રૈયા રોડ)ની ધરપકડ કરી છે. પકડાયેલ પૃથ્વીરાજસિંહે અગાઉ પકડાયેલા આરોપી સંજય મનુભાઇ પાનસુરીયા સાથે મળીને અમદાવાદ ખાતે જઇ પોતાના મિત્ર નોટરી કમ એડવોકેટ કનુભાઇ પટેલ પાસે આર્થિક લાભ મેળવવાના ઇરાદે મુંજકાની ઉકત જમીનનું પોતાના નામનું બોગસ સાટાખત જુની તારીખ વાળુ તૈયારી કર્યાની કબુલાત આપી હતી.
અગાઉ આ કોૈભાંડમાં સંજય પટેલ, મહેબુબ ગફારભાઇ ખલીફા તથા ચેતન ચંદ્રકાંતભાઇ ગોંડલીયાની ધરપકડ થઇ હતી. આરોપી પૃથ્વીસિંહ અગાઉ પણ બનાવટી સાટાખતના ગુનામાં અમદાવાદમાં પણ પકડાયો હતો. એસીપી જયદિપસિંહ સરવૈયા અને ટીમ વધુ તપાસ કરે છે. રિમાન્ડની તજવીજ થઇ રહી છે.