ફનવર્લ્ડ-ચકરડી ઝોન આજથી બંધ કરવા મ્યુ. કમિશ્નરનો આદેશઃ મોલ અંગે સાંજે નિર્ણય
તમામ મોલ અંગે રીપોર્ટ મંગાવતા કલેકટરઃ રોજના કેટલા લોકો આવે છે તેની વિગતો બાદ ખાસ જાહેરનામુ : કલેકટરની ઉપસ્થિતિમાં મોલ અંગે મ્યુ. કમિશ્નરનો નિર્દેશઃ મોલમાં બુધ-રવિવારે ચિક્કાર ગીર્દી અંગે જાણ કરાઈ : ૦શહેરના મોટા ધાર્મિક મંદિરોમાં રોજના ૩૦૦થી ૫૦૦ લોકો આવતા હોય તેની પણ વિગતો મંગાવાઈઃ હવેલીઓ-મહાદેવના મંદિરોના ટ્રસ્ટીઓને બોલાવી તાકિદ કરાશેઃ માતાજીનું એક વિખ્યાત મંદિર આજથી બંધ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ કલેકટર કચેરી ખાતે પત્રકારોને વિગતો આપવા સમયે મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલે આજે પત્રકારો સમક્ષ ફનવર્લ્ડ અંગે ચર્ચા કર્યા બાદ ફનવર્લ્ડ આજથી બંધ કરી દેવાના આદેશો કરી, કલેકટરની ચેમ્બરમાં જ તેમના ઈજનેરશ્રીને સૂચના આપી હતી.
આ ઉપરાંત બાજુમાં જ આવેલા ચકરડી ઝોનમાં પણ દરરોજ રાત્રે સેંકડો લોકો પોતાના બાળકોને લઈને આવતા હોય, લોકોની સતત અવરજવર રહેતી હોય તે બંધ કરવા પણ સૂચના અપાયાનું ઉમેરાયુ હતું.
દરમિયાન શહેરના તમામ વિખ્યાત એક ડઝન મોલ-શોપીંગ સેન્ટરો ચાલુ રહ્યા છે જે અંગે પણ કલેકટરનું ધ્યાન દોરાયુ હતું તેમજ મોલમાં લોભામણી સ્કીમોને કારણે બુધવાર-રવિવારે ચિક્કાર ગીર્દી થતી હોય છે, આવનાર લોકોમાંથી ૮૦ ટકા તો આંટા મારવા - ફરવા જ આવતા હોય છે. આથી આજથી મોલ બંધ કરવા અંગે કલેકટર તંત્ર દ્વારા ગંભીરતાથી ચર્ચા ચાલી રહી છે.
કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે કયા મોલમાં કયા સમયે રોજના કેટલા લોકોનું અવનજવન - ખરીદી થાય છે ? તેનો રીપોર્ટ આવ્યા બાદ સાંજ સુધીમાં નિર્ણય લેવાય જશે, આ માટે ખાસ સ્પેશીયલ જાહેરનામુ સાંજ સુધીમાં બહાર પડી શકે છે.
બીજી બાજુ શહેરના મોટા ધાર્મિક મંદિરોમાં રોજના ૩૦૦થી ૫૦૦ કે તેથી વધુ લોકો આવતા હોય છે. હવેલી, મહાદેવના મંદિરો, માતાજીના મંદિરોમાં સોમવાર, અગીયારસ, મંગળવારના રોજ ૫૦૦થી વધુ લોકો દર્શનાર્થે આવતા હોય છે.
શહેરનું એક જગવિખ્યાત માતાજીનું મંદિર કે જે ખાનગી ગૃહ માલિકીનું મંદિર છે તે આજથી જ ૨૯મી માર્ચ સુધી સરકારની અપીલ મુજબ બંધ કરી દેવાયુ છે. આ મંદિરે ચૈત્રી નવરાત્રી અને તેના આગલા દિવસે અમાસના દિવસે રાત્રે હજારો લોકો ભાવપૂર્વક 'માં' નમન કરવા આવે છે, પરંતુ આ મંદિર બંધ કરાયુ છે.
આથી હવેલીઓ, મહાદેવ અને અન્ય વિખ્યાત મંદિરો કે જેમાં ટ્રસ્ટ છે તેમના ટ્રસ્ટીઓને બોલાવી તાકિદ કરાશે અને બંધ કરવા ભારપૂર્વક અપીલ કરાશે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું.