જંગલેશ્વરના એ ૩૨ વર્ષના યુવાનનો રીપોર્ટ જામનગરથી ગોળગોળ આવતા કલેકટર દ્વારા ક્રાઈસીસ મેને.ની મીટીંગ
કલેકટરે મ્યુ. કમિશ્નર, ડીડીઓ, સીપી, ડીસીપી, એસપી, તમામ પ્રાંતને તાકીદે બોલાવ્યા : પૂનાના રીપોર્ટની જોવાતી રાહઃ યુવાનના ફેમીલીના ૧૧ સહિત સંપર્કમાં આવેલા કુલ ૧૭ લોકોને પથીકાશ્રમમાં ખસેડાયાઃ રાઉન્ડ ધ કલોક ડોકટરો તૈનાતઃ કોઈને પણ જવાની મનાઈ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ૮મીએ હજ પઢી મુંબઈથી આવેલા ૩૨ વર્ષના યુવાનને શંકાસ્પદ કેસ ગણી સિવીલ હોસ્પીટલમાં સ્પે. આઈસોલેસન વોર્ડમાં રખાયો છે અને તમામ સારવાર અપાઈ રહ્યાનું કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યુ હતું.
કલેકટરે આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, ઉપરોકત દર્દીના ફેમીલીના ૧૧ સહિત તેના સંપર્કમાં આવેલા કુલ ૧૭ લોકોને શહેરના પથીકાશ્રમમા ખસેડવામાં આવ્યા છે. તમામ વસ્તુ, નાસ્તો, જમવાનું પુરૂ પાડયુ છે અને રાઉન્ડ ધ કલોક મેડીકલ ઓફિસર મુકી દેવાયા છે.
દરમિયાન કલેકટરે આ ૩૨ વર્ષના યુવાનનો રીપોર્ટ જામનગરથી ગોળગોળ આવ્યો હોય તેનો રીપોર્ટ પૂના મોકલ્યાની જાહેરાત કરી હતી અને આ બાબતે ક્રાઈસીસ મેનેજમેન્ટની તાકીદની મીટીંગ બપોરે ૧૨ાા વાગ્યાથી બોલાવી છે. જેમા મ્યુ. કમિશ્નર, પોલીસ કમિશ્નર, ડીસીપી, ડીએસપી, ડીડીઓ, તમામ પ્રાંત ડે. કલેકટરો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે.
કલેકટરે જણાવ્યુ હતુ કે જામનગરનો રીપોર્ટ ગોળગોળ છે, બરોબર રીડીંગ નથી આવતું, તેના પેરામીટર જે પકડાવા જોઈએ તે પકડાતા નથી, આથી પૂના ખાતે ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા છે.
કલેકટરે જણાવ્યુ હતુ કે, આ ૩૨ વર્ષનો યુવાન બોમ્બેથી ટ્રેનમાં બેસી આવ્યો, ૪ દિ' અહીં કયાં કયાં ફર્યા, કોને કોને મળ્યા, કોના કોન્ટેકટમાં આવ્યા ? તે તમામ બાબતો ચકાસાઈ રહી છે અને તે અત્યંત ગોપનીય ડેટા છે. મેનેજમેન્ટ ક્રાઈસીસની મીટીંગ એટલે જ બોલાવાઈ છે, તમામ તૈયારીઓ રાખવી પડે.
જંગલેશ્વરમાં એ યુવાનના ઘરની ૫૦થી ૬૦ મીટર એરીયામાં ૨૨ ટીમો દ્વારા સઘન તપાસનો દોરઃ રેલ્વેનો પણ સંપર્ક કરાયોઃ આ યુવાનથી અન્ય કોઈને પણ અસર પડે છે કે કેમ ? તેની ચકાસણી ચાલુ
જંગલેશ્વરમાં એ યુવાનના ઘરની ૫૦થી ૬૦ મીટરના વિસ્તારોમાં કલેકટર, મ્યુ. કમિશ્નર, પોલીસની ટીમો દ્વારા સવારથી તપાસનો ધમધમાટઃ યુવાન કોને મળ્યો... કયાં ફર્યો... કોનો કોન્ટેક કર્યો..? તે તમામ બાબતના ડેટા મેળવવા કલેકટરનો આદેશઃ રેલ્વે પાસેથી પણ તેની વિગતો મંગાઈઃ આ યુવાનને કારણે અન્ય કોઈ વ્યકિતને અસર છે કે કેમ ? તેની પણ ૨૨ ટીમો દ્વારા સઘન ચકાસણી ચાલુ