મજૂર પિન્ટુના હાથનું લાકડુ બીજા મજૂર વીરૂના ખભે અડી જતાં પાઇપથી હુમલોઃ હત્યાનો પ્રયાસ
મવડી રીંગ રોડ પર નવા બનતાં બિલ્ડીંગની સાઇટ પર બનાવ : વીરૂ, સંતોષ અને જગદીશ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ તમામ મુળ યુપીના વતની
રાજકોટ તા. ૧૯: મવડી ૧૫૦ રીંંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે નવા બનતા બિલ્ડીંગની સાઇટ પર મજૂરી કરતો મુળ યુપીનો યુવાન સાતમા માળેથી લાકડુ લઇ આઠમા માળે દાદરા ચડતો હતો ત્યારે અન્ય મજૂરને લાકડુ અડી જતાં બોલાચાલી ગાળાગાળી થતાં તેણે બીજા બે શખ્સો સાથે મળી પાઇપથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલની બાજુમાં વિંગ્સ વેની સાઇટ પર ઝૂપડામાં રહેતાં અને આ સાઇટ પર કડીયા કામ કરતાં મુળ ઉત્તરપ્રદેશ આઝમગઢના મેમનગરના ગ્રામકટકાના વતની રામપ્રતાપ ઘુરહુરામ કુમાર (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેની સાથે જ કામ કરતાં અને સાઇટ પર ઝૂપડામાં રહેતાં વિરૂ, સંતોષ તથા જગદીશ નામના ત્રણ શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
રામપ્રતાપે ફરિયાદમાં જણાવ્યું છે કે હું આઠ માહિનાથી રાજકોટ રહી કડીયા કામ કરુ છું. મારી સાથે મારો નાનો ભાઇ મદન (ઉ.૨૦) તથા ફઇનો દિકરો પિન્ટુ લણીરામ ઉર્ફ કુથનાથરામ (ઉ.૧૭) પણ રહે છે. ગઇકાલે બુધવારે બપોરે હું, મદન, પિન્ટુ તથા બીજા મજૂરો ફોર્ચ્યુન હોટેલની બાજુમાં વિંગ્સ વે નામની બાંધકામની સાઇટ પર હતાં અને આઠમા માળે સેન્ટીંગ કામ ચાલુ હોઇ મેં પિન્ટુને લાકડાનું ચપલુ લેવા નીચેના માળે મોકલ્યો હતો. તે લાકડાનો કટકો (ચપલુ) લઇને અઠામા માળે પગથીયા ચડતો હતો ત્યારે વીરૂ નામનો મજૂર નીચે જતો હોઇ તેના ખભા પર પિન્ટુના હાથનું લાકડુ અડી જતાં વીરૂએ ગાળાગાળી કરી હતી. એ પછી વીરૂ જતો રહ્યો હતો.
ત્યારબાદ પિન્ટુ અમારી સાથે કામ કરવા માંડ્યો હતો. થોડી વાર બાદ વીરૂ, સંતોષ અને જગદીશ આવ્યા હતાં અને ફરીથી પીન્ટુ સાથે થોડીવાર પહેલા થયેલી બોલાચાલી તેનો ખાર રાખી ત્રણેયએ ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં વીરૂએ 'તે કેમ મને ગાળો દીધી?' કહી પિન્ટુને લોખંડના પાઇપથી ફટકારતાં હું તથા મદન તેને બચાવવા પડતાં અમને પણ માર મારી ગાળો દીધી હતી. પિન્ટુને માથામાં જોરદાર ઘા લાગી જતાં તે પડી ગયો હતો. બીજા મજુરોએ અમને છોડાવ્યા હતાં. પિન્ટુને અમે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
તાલુકા પીઆઇ જે. વી. ધોળા સહિતની ટીમે ગુનો નોંધી ત્રણ શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.