જંગલેશ્વરના યુવાનને 'કોરોના' પોઝીટીવ હોવાની શંકાથી તંત્ર એલર્ટ
મક્કાથી ઉમરાહ કરીને આવેલા યુવાનની તબિતય બગડતાં આઇસોલેશન વોર્ડમાં રખાયોઃ જામનગરથી આવેલા રિપોર્ટ બાદ તંત્ર દોડ્યું: ફરી નમુના લેવાયા : યુવાનના ૧૪ સ્વજનોને રાતોરાત તબિબોએ પોલીસની મદદથી પથિકાશ્રમમાં કોરન્ટાઇન કર્યાઃ આ પૈકી કોઇમાં શંકાસ્પદ લક્ષણો નથીઃ રાતોરાત તબિબોની બેઠક મળીઃ કલેકટરની સીધી દેખરેખ હેઠળ જીલ્લા આરોગ્ય તંત્રની ટીમોની સતત દોડધામ : પુનાથી સાંજે રિપોર્ટ આવશે : સિવિલ હોસ્પિટલમાં વધુ બે વ્યકિત આઇસોલેશન વોર્ડમાં દાખલઃ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૯: કોરોનાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વચ્ચે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં અને થોડા દિવસ પહેલા મક્કા મદીનાથી ઉમરાહ કરીને પરત આવેલા યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં પરમ દિવસે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના લોહી-કફના નમુના લઇ જામનગર લેબોરેટરીમાં મોકલાયા હતાં. પરંતુ ત્યાંથી રિપોર્ટ શંકાસ્પદ આવતાં હવે ફરીથી નમુના લઇને પુનાની લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ સંભવતઃ સાંજ સુધીમાં આવી જાય તેવી શકયતા છે. શંકાસ્પદ રિપોર્ટ જાહેર થતાં જ આરોગ્ય તંત્રમાં મોડી રાતે દોડધામ મચી ગઇ હતી. કલેકટરની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય તંત્રની ટીમોએ શંકાસ્પદ રિપોર્ટ જાહેર થયો એ યુવાનના જંગલેશ્વરમાં રહેતાં અને તેના સંપર્કમાં આવેલા ૧૪ સ્વજનોને રાતોરાત પથિકાશ્રમ ખાતે કવોરન્ટાઇન (ચેપથી બચવા માટે અલગ રાખવા) કર્યા છે. જો કે આ પૈકી કોઇમાં શંકાસ્પદ લક્ષણો નથી. બીજી તરફ સિવિલના આઇસોલેશન વોર્ડમાં વધુ બે યુવાન સારવાર હેઠળ છે. તેને કોરોનાની શંકા હોવાથી રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. જે સાંજે આવે તેવી શકયતા છે.
જંગલેશ્વરનો યુવાન મક્કા મદીના ઉમરાહ કરવા ગયો હતો. ચારેક દિવસ પહેલા ત્યાંથી તે પાછો આવ્યો હતો. એ પછી શરદી, તાવ લાગુ પડતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. કોરોનાના લક્ષણો હોઇ તાકીદે લોહી-કફના સેમ્પલ લઇ જામનગરની લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલાયા હતાં. ત્યાંથી ગત સાંજે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ નિદાન ચોક્કસ ન હોઇ સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. ત્યાંથી સાંજ સુધીમાં રિપોર્ટ આવી જવાની શકયતા છે.
આ યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની વાતો વહેતી થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. રાતે તાકીદે આરોગ્ય તંત્રએ બેઠક યોજી હતી. એટલુ જ નહિ જંગલેશ્વરમાં રહેતા યુવાનના બીજા ૧૪ સ્વજનોને તબિબોની ટીમે ત્યાં જઇ ચકાસ્યા હતાં. પણ કોઇનામાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા નહોતાં. આમ છતાં તકેદારીના ભાગ રૂપે આ તમામને રાતે જ પોલીસની મદદ લઇ પથિકાશ્રમ ખાતે અલગ રખાયા છે. જેનામાં કોરોનાના લક્ષણોની શંકા ઉદ્દભવી છે અને પુનાથી જેનો રિપોર્ટ આવવાનો છે તે યુવાનને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હોઇ અહિ રાતોરાત સિકયુરીટીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અંદર ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ અને તબિબ સ્ટાફને પણ ખાસ રક્ષણ માટેના એપરન પહેરીને વોર્ડમાં દર્દીઓને ચકાસવા સુચના અપાઇ હોઇ તેનું સખ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરમાં હાલમાં ૭૬ અને ગ્રામ્યમાં ૪૦ લોકોને જીલ્લા આરોગ્ય તંત્રની ટીમે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. આ પૈકી કોઇમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં જંગલેશ્વરનો એક યુવાન, મોટા મવા વિસ્તારનો એક યુવાન દાખલ હતાં અને નમુના લેવાયા છે. જેના રિપોર્ટ બાકી છે. ત્યાં ગત સાંજે ત્રીજા એક વ્યકિતને પણ દાખલ કરી સેમ્પલ લઇ પરિક્ષણમાં મોકલાયા છે.