આજી -૧ ડેમમાં નર્મદાનીરના વધામણા ૬૦૦ MCFT પાણી ઠલવાશે
શહેરીજનોને દરરોજ ૨૦ મીનીટ પાણી આપવા કટીબધ્ધતા વ્યકત કરતા પદાધિકારીઓ

રાજકોટ,તા.૧૮: શહેરમાં પાણી પુરૂ પાડતાં આજી ડેમમાં આજથી નર્મદાનીર સૌની યોજના મારફત ઠાલવવાનું શરૂ થતાં મેયર સહીતના પદાધિકારીઓએ આ નવા નીરનાં વધામણા કર્યા હતા. અને હવે ઉનાળામાં પણ પાણી કાપ વગર દરરોજ ૨૦ મીનીટ પાણી અપાતુ રહેશે. તેવી કટીબધ્ધતા તમામ પદાધિકારીઓએ આ તકે વ્યકત કરી હતી.
આ અંગે મેયરશ્રીની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરની વસ્તી તથા વિસ્તારમાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. જેના કારણે સ્થાનિક જળાશયો મારફત દૈનિક ૨૦ મિનીટ પાણી પુરવઠો આખું વર્ષ પૂરું પાડવામાં મુશ્કેલ બને ત્યારે વિશેષમાં ભૂતકાળમાં રાજકોટના નગરજનોએ પીવાના પાણીની ખુબજ યાતના ભોગવી છે. અગાઉ પાણીકાપ એકત્રા તેમજ ૩ દિવસે ૧ વખત પાણી આપવાનો દ્યટનાઓ બનેલ છે અને ઉદ્યોગોને પણ જોઈતું પાણી આપવામાં ખુબજ મુશ્કેલી પડતી આ બધી સમસ્યાઓને ભૂતકાળ બનાવવા રાજયના માન.મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજના હેઠળ આજી, ન્યારી અને ભાદર જોડી દેવામાં આવેલ છે.
હાલમાં આજી-૧ ડેમમાં ૨૮૭ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો છે. જે માર્ચ અંતમાં પુરો થનાર હતો ત્યારે આગામી ચોમાસા સુધી નિયમિત દૈનિક ૨૦ મિનીટ પાણી પુરવઠો આપી શકીએ તે માટે માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદાનું પાણી આજી-૧ અને ન્યારી-૧માં પાણી આપવાનું મંજુર કરેલ જેના અનુસંધાને આજરોજ આજી-૧ ડેમમાં કાળી પાટ પાસેનો ચેકડેમ તથા આવેલ ખાણો ભરાઈને નર્મદાનું પાણી આજીડેમમાં પહોંચી ગયેલ છે. જે અંતર્ગત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈજાગાણી, વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવરાજભાઈ મકવાણા (બાબુભાઈ આહીર) વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ. જે વખતે ડેપ્યુટી એન્જીનીયર ચેતન મોરી પણ હાજર રહેલ.
હાલમાં આજી-૧ ડેમમાં ૨૮૭ એમ.સી.એફ.ટી. એટલેકે ૧૬.૯૦ ફૂટ પાણીનો જથ્થો છે. સિંચાઇ વિભાગ દ્વારા હાલમાં એક પંપ ચાલુ કરેલ છે. જેના દ્વારા આજરોજ ૫ થી ૬ એમ.સી.એફ.ટી. પાણી ડેમમાં આવશે. એકાદ દિવસ બાદ વધુ પંપો ચાલુ કરી દરર્રોજનું ૩૫ થી ૪૦ એમ.સી.એફ.ટી. પાણી આવે તેવું આયોજન કરેલ છે અને ૧૫ થી ૧૬ દિવસ સુધીમાં આજી-૧ ડેમમાં ૬૦૦ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવનાર છે. ત્યારબાદ ન્યારી-૧માં નર્મદાનું પાણી પુરવઠો ઠાલવવાનું શરૂ થશે. નર્મદાના પાણી આવતા આગામી ચોમાસા સુધી શહેરને દૈનિક ૨૦ મિનીટ સુધી પાણી આપવામાં કોઈ મુશ્કેલી સર્જાશે નહી. આ તકે પદાધિકારીઓએ રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા સરકારશ્રીનો આભાર વ્યકત કરે છે.