શાપર-વેરાવળમાં દુકાનમાં પ્રચંડ બ્લાસ્ટઃ આજુબાજુની દુકાનોને પણ નુકશાન
અમુલ દૂધનું વેચાણ કરતા નાનજીભાઈ લીંબાસીયા વહેલી સવારે દુકાને ગયા બાદ જબ્બર ધડાકો થયોઃ ધડાકાનો અવાજ ૧૦ કિ.મી. સુધી સંભળાતા લોકોના ટોળેટોળા ઉમટયાઃ ધડાકાનું કારણ જાણ વા એફએસએલની મદદ મંગાઈ

પ્રથમ તસ્વીરમાં જ્યાં ધડાકો તે દુકાન અને બીજી તસ્વીરમાં આજુબાજુની દુકાનમાં નુકશાન થયુ તે નજરે પડે છે(તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)
શાપર-વેરાવળ, તા. ૧૮ :. શાપર-વેરાવળમાં આજે વહેલી સવારે દુકાનમાં પ્રચંડ ધડાકો થતા આજુબાજુના વિસ્તારોમાં ગભરાટ ફેલાય ગયો હતો. આ ધડાકો શેના કારણે થયો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં વેરાવળ મેઈન રોડ પર આવેલ યોગી કોમ્પલેક્ષમાં નીચેની દુકાનમાં અમુલ દૂધનું વેચાણ કરતા નાનજીભાઈ લક્ષ્મણભાઈ લીંબાસીયા (ઉ.વ. ૫૪) રહે. ગાયત્રીનગર વેરાવળ આજે સવારે દૂધના વેચાણ માટે દુકાન ખોલી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે અચાનક જ તેની દુકાનમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકાથી દુકાન ધરાશયી થઈ ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોને પણ નુકશાન થયુ હતું.
વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટનો આ અવાજ ૧૦ કિ.મી. સુધી સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આ ધડાકો કયાં થયો ? તે અંગે તપાસ હાથ ધરી હતી. દુકાનમાં ધડાકો થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. બનાવની જાણ થતા વેરાવળના સરપંચ ગોવિંદભાઈ રાઠોડ, મામલતદાર તથા શાપર-વેરાવળના એએસઆઈ વરજાંગભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા.
દુકાનના માલિક નાનજીભાઈ લીંબાસીયાના જણાવ્યા મુજબ ભૂગર્ભમાં આ પ્રચંડ ધડાકો થયો હતો. જેના કારણે તેની દુકાન તથા આજુબાજુની દુકાનમાં નુકશાન થયુ હતું.
આ પ્રચંડ બ્લાસ્ટ કયા કારણે થયો ? તે જાણવા પોલીસે એફએસએલની મદદ માગી છે. એફએસએલની તપાસમાં ધડાકાનું સાચુ કારણ બહાર આવશે.