કમલનાથ સરકારનું કાલે પતન થાય તેવી સંભાવના
કાલે ફ્લોર ટેસ્ટ યોજવા સુપ્રીમ કોર્ટનો આદેશ : બે દિન સુધી સુનાવણી ચાલ્યા બાદ સુપ્રીમનો સ્પષ્ટ આદેશ

ભોપાલ, તા. ૧૯ : મધ્યપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય કટોકટીને લઇને નવો વળાંક આવી ગયો છે. હવે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારનું પતન થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં ૨૦મી માર્ચના દિવસે સાંજે પાંચ વાગે સુધી કમલનાથ બહુમત પરીક્ષણ કરનાર છે. સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ આપ્યા બાદ કેટલીક અટકળો પણ શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે બે દિવસ સુધી સુનાવણી કર્યા બાદ આજે કહ્યું હતું કે, રાજ્યમાં અનિશ્ચિતતાની સ્થિતિને ફ્લોર ટેસ્ટ યોજીને દૂર કરવામાં આવી શકે છે. કોંગ્રેસના ૧૬ અસંતુષ્ટ સભ્યો જો ગૃહમાં આવવા ઇચ્છુક છે તો આવી શકે છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે હાથ ઉઠાવીને વોટિંગ કરવામાં આવશે. ચુકાદા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, આતંક, લોભ લાલચ અને પ્રભોલનના પ્રયાસમાં કમલનાથ નિષ્ફળ રહ્યા છે.
આમા દિગ્વિજયસિંહ પણ લાગેલા હતા જેથી સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ફરજ પડી છે. આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે. અમને વિશ્વાસ છે કે, લઘુમતિ સરકાર પતિ જશે. આ પ્રજાની સાથે વિશ્વાસઘાત અને ચેડા કરનાર સરકાર હતી. શરાબ માફિયાઓ દ્વારા સંચાલિત સરકાર હતી. મધ્યપ્રદેશને દલાલોના અડ્ડા બનાવી દેવામાં આવ્યા હતા. પરિવહન માફિયા, માટી સાથે જોડાયેલા માફિયા સક્રિય હતા. આજે અન્યાયની હાર થઇ છે. કરોડો જનતાના આશીર્વાદ અમારી સાથે છે. ફ્લોર ટેસ્ટમાં આ સરકાર પરાજિત થશે. કોંગ્રેસ પાર્ટી તરફથી ફ્લોર ટેસ્ટને ટાળવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. સુપ્રીમ કોર્ટની બેંચે તમામ પક્ષોની રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળ્યા બાદ આ અંગેનો ચુકાદો આપ્યો હતો.