મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના શપથ વેળા બધા વિપક્ષના સભ્યોનો હોબાળો

રાજ્યસભામાં નિમણૂંકને લઇને વેધક પ્રશ્નો : કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા અંતે ગૃહથી વોકઆઉટ

નવી દિલ્હી, તા. ૧૯ : સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની રાજ્યસભાના સભ્ય તરીકે શપથ વેળા ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. બીજી બાજુ શાસક પક્ષના સભ્યોએ રંજન ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે શપથને લઇ સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ અને ડાબેરી સાંસદોએ રાજ્યસભામાં ગોગોઈની નોમિનેશનને લઇને જોરદાર પ્રશ્નો કર્યા હતા અને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે હાલમાં નિમણૂંક કરી હતી. સભ્ય તરીકે શપથ લેવા માટે ગૃહની વચ્ચોવચ પૂર્વ સીજેઆઈ પહોંચતાની સાથે કોંગ્રેસના સભ્યો સહિતના વિરોધ પક્ષના સભ્યોએ તેમની નારાજગી દોહરાવી હતી અને વોકઆઉટ કરતા પહેલા સુત્રોચ્ચાર કર્યા હતા.

         ગૃહની બહાર મુદ્દે વાત કરતા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, રાજ્યસભા નોમિનેશન તરીકે ગોગોઈના સ્વિકારને લઇને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. ગોગોઇને હાલમાં કેટલાક મહત્વના ચુકાદા આપવા બદલ નિમવામાં આવ્યા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. વોકઆઉટ કરવા માટેના કારણો આપતા આનંદ શર્માએ કહ્યું હતું કે, તેમની નિમણૂંક કેટલાક પ્રશ્નો ઉભા કરે છે. સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કોઇના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર કેટલીક બાબતો અંગે ટિપ્પણી કરી હતી. બીજી બાજુ અન્ય વિરોધ પક્ષના સભ્યોએ પણ જોરદારરીતે રજૂઆત કરી હતી. રાજ્યસભાના સભ્ય તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે વિરોધ પક્ષના સભ્યો ભારે ધાંધલ ધમાલ મચાવી રહ્યા છે. રંજન ગોગોઇએ થોડાક સમય પહેલા રામ મંદિરના સંદર્ભમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અન્ય અનેક ઐતિહાસિક ફેંસલા પણ તેમના તરફથી લેવામાં આવ્યા હતા.

(7:49 pm IST)