દુધના પેકેટ, ડોરબેલ, અખબાર જેવી વસ્તુઓમાં વાયરસની બીક નથી
દરેક વસ્તુમાં કોરોના વાયરલ હોવો જરૂરી નથીઃ એમ્સના ડોકટર

નવી દિલ્હી, તા.૧૯: દુધના પેકેટ, ડોરબેલ, અખબાર જેવી વસ્તુઓ પર કોરોના વાયરસ નથી હોતો. કોઇપણ ચિંતા વગર તમે રોજીંદા કામ કરી શકો છો. અખબાર વાંચી શકો છો, ડોરબેલ વગાડી શકો છો, બીવાની જરૂર નથી. તેમ છતાં તમારા મનમાં કોઇ શંકા રહેતી હોય તો છાપુ વાંચ્યા પછી અથવા ડોરબેલ વગાડયા પછી હાથથી પોતાના નાક, આંખ કે મોઢાને ન સ્પર્શો.એમ્સના ડોકટર વિનયકુમારે જણાવ્યું કે આવો કોઇ ખતરો નથી. આ વાયરસ ચેપિત વ્યકિત દ્વારા ફેલાય છે, અખબાર કે કોઇ અન્ય વસ્તુ દ્વારા નહીં. હજુ સુધી દેશમાં એવી પરિસ્થિતિ નથી આવી કે દરેક વસ્તુ પર કોરોના વાયરસ હોય. એટલે કે આવી શંકાની સ્થિતી ઉત્પન્ન ન કરો. ડોકટર વિનયે જણાવ્યું કે આ વાયરસ ચેપ લાગેલ વ્યકિતના છીંકવા અથવા ખાંસવાથી ફેલાય છે. એટલે ચેપિત વ્યકિતથી અંતર રાખવાની જરૂર છે, તેના છીંકવા અથવા ખાંસવાથી ઉડતા છાંટાથી બચવાનુ છે.
આ બાબતે ઇન્ફેકશન એકસપર્ટ ડોકટર સૈનીએ કહ્યું કે બચાવ પર ધ્યાન આપવાનો અર્થ એ બિલકુલ નથી કે અફવાઓ પર ધ્યાન આપવું. આ વાયરસ પર અત્યાર સુધીમાં થયેલા અન્યાય અનુસાર, આ વાયરસ નરમ સપાટી પર બે દિવસ અને હાર્ડ સરફેસ પર ચારથી નવ દિવસ જીવિત રહી શકે છે અમે તેનો આધાર ત્યાંના ઉષ્ણતામાન અને હ્યુમીડીટી પર હોય છે.
તેમણે કહ્યું કે હાથ પર આ વાયરસ ચારથી ૧૦ કલાક જીવિત રહી શકે છે એટલ વારંવાર હાથ ધોવા જરૂરી છે. ડોકટરે કહ્યું કે એક સામાન્ય વ્યકિત એક કલાકમાં ઓછામાં ઓછા ૨૩ થી ૨૫ વાર પોતાના ચહેરાને અડે છે એટલે જ વાયરસને રોકવા માટે હાથને સ્વચ્છ રાખવાને સૌથી વધુ જરૂરી ગણાવાય છે.