ભારતમાં સમાજમાં નથી ફેલાઇ રહ્યો કોરોના
કોરોનાના પ્રકોપ વચ્ચે રાહતભર્યા સમાચાર : ICMRના રીપોર્ટમાં કરાયો દાવો : દેશના વિવિધ ભાગોમાંથી અંદાજે ૧૦૦૦ સેમ્પલ લેવાયા : નેગેટીવ રીપોર્ટ આવ્યા

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં કોરોનાની સતત વધતી અસર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસ સમાજમાં ફેલાય રહ્યો નથી. એટલે કે જો કોઇ એક વ્યકિતમાં પોઝીટીવ લક્ષણ જોવા મળે તો તેનો અર્થ એ નથી કે તેના કારણે સમગ્ર વિસ્તારમાં તેની અસર જોવા મળશે. સતત પોઝીટીવ રહેતા આવી રહેલા મામલા વચ્ચે રાહતભર્યા સમાચાર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના અલગ - અલગ ભાગોથી અંદાજે ૧૦૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનાથી માલુમ પડયું છે કે દેશમાં હજુ કોરોના બીજુ ચરણ ચાલુ હતું. જેના સેમ્પલ લેવામાં આવ્યા છે તે વિદેશ પણ નહોતા ગયા અને કોઇ વ્યકિતના સંપર્કમાં પણ આવ્યા નથી કે જે વિદેશ ગયા હોય તે સેમ્પલના આધારે એ સામે આવ્યું છે કે ભારતમાં હજુ કોરોનાએ વિકરાળરૂપ ધારણ કર્યું નથી કે જે સરળતાથી એકબીજામાં ફેલાય.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કુલ ૧૭૫ પોઝીટીવ કેસ આવી ચુકયા છે. છેલ્લા બે દિવસમાં પોઝીટીવ કેસમાં અધધ વધારો થયો છે.