ગુજરાતનું ટેન્શન વધારી રહ્યો છે મહારાષ્ટ્રનો વધતો આંકડો

મુંબઇ, તા.૧૯: દુનિયાભરમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ની મહામારીને પગલે ભારે અફરાતફરી મચી છે ત્યારે ચીનમાં એક પણ નવો કેસ સામે નથી આવ્યો. જો દેશની વાત કરીએ તો પડોશી મહારાષ્ટ્રમાં થઈ રહેલો સંક્રમિત કેસોનો વધારો ગુજરાતનું ટેન્શન વધારી રહ્યો છે.
જોકે, એશિયાના દેશોમાં કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કેસોની સંખ્યા વધીને ૧૬૬ પર પહોંચી છે જેમાં ૨૫ વિદેશી ૧૪૧ ભારતીય નાગરિકો છે.
અત્યાર સુધી ભારતમાં ૧૮ રાજયોમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્રમાં ૩ વિદેશી સમેત કુલ ૪૫ કેસો સામે આવ્યા છે. એ પછી કેરળમાં ૨૭, ઉત્તર પ્રદેશમાં ૧૭, કર્ણાટકમાં ૧૪, હરિયાણામાં ૧૪ વિદેશી નાગરિકો સમેત ૧૭ કેસો સામે આવ્યા છે. આખી દુનિયામાં બે લાખથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધી ૮,૦૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાને પગલે ૩ લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તંત્ર અને લોકોનું ટેન્શન ચોક્કસ વધી રહ્યું છે.
અગમચેતીના ભાગરૂપે શાળા-કોલેજો, આંગણવાડી, સ્વિમિંગ પૂલ બંધ કરવામાં આવ્યા છે.
અંબાજી મંદિર સહિત મોટાભાગના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. લોકો કોરોના વાઇરસની મહામારીથી રક્ષણ કરવા માસ્ક પહેરી મંદિરો પ્રાર્થના કરતા પણ નજરે ચઢયા છે.
મહારાષ્ટ્રમાં કેસોના વધારાને પગલે મુખ્ય મંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું છે કે, આપણે યુદ્ઘ લડી રહ્યા છીએ. આગોતરા પગલાં લેવામાં આવ્યા છે, બિનજરૂરી પ્રવાસ ન કરો. પરિસ્થિતિ ગંભીર નથી પરંતુ ચિંતાજનક ચોક્કસ છે.