મણિપુરના પ્રધાનને સુપ્રિમે હોદ્દા પરથી હટાવ્યા
વિધાનસભામાં પ્રવેશની પણ કરી મનાઇ

નવી દિલ્હી તા. ૧૯ : સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ ચુકાદામાં મણિપુરના વન પ્રધાન ટી શ્યામકુમારને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો એટલું જ નહી તેમના વિધાનસભા પ્રવેશ પર પણ મનાઇ ફરમાવી હતી. જસ્ટીસ આર એફ નરીમાનની બેંચે કોર્ટના આદેશ છતાં મણિપુર વિધાનસભાના સ્પીકર દ્વારા શ્યામકુમારની અયોગ્યતા અંગે નિર્ણય ન લેવાથી નારાજ થઇને આ ચુકાદો આપ્યો હતો. ચુકાદો સંભળાવતા બેંચે કહ્યું કે આ પરિસ્થિતિમાં કોર્ટ બંધારણની કલમ ૧૪૨ હેઠળ મળેલ વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ ચુકાદો લઇ રહી છે. બેંચ આ કેસની આગામી સુનાવણી ૨૮ માર્ચે કરશે. ૨૧ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મણિપુરના સ્પીકરને કહ્યું હતું કે તે ચાર સપ્તાહમાં નિર્ણય લઇ લે. જો સ્પીકર નિર્ણય ન લે તો અરજદાર ફરીથી કોર્ટમાં આવી શકશે.
કોંગ્રેસી ધારાસભ્ય ફજુર રહીમ અને મેઘચંદ્રએ શ્યામકુમારને અયોગ્ય ઠેરવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. શ્યામકુમાર કોંગ્રેસની ટીકીટ પર ધારાસભાની ચુંટણી જીત્યા હતા પણ પછી પક્ષ છોડીને ભાજપામાં જતા રહ્યા હતા. પછી તેમણે પ્રધાન બનાવાયા હતા.
કોંગ્રેસી ધારાસભ્યોએ કહ્યું હતું કે, ૧૦મી અનુસૂચી હેઠળ તેમને સભ્યપદે અયોગ્ય ઠેરવવા જોઇએ. પાછલી સુનાવણીમાં બેંચે સાંસદો અને ધારાસભ્યોની અયોગ્યતા અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી.