મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

કોંગ્રેસ નેતા ઓસ્કાર ફર્નાન્ડીસે રાજ્યસભામાં યોગના ફાયદા જણાવ્યા

ગૌમૂત્રથી કેન્સર મટ્યાનો કિસ્સો સંભળાવ્યો

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસના સીનીયર નેતા ઓસ્કાર ફર્નાન્ડીસે ગઇકાલે રાજ્યસભામાં ગૌમૂત્રની વિશેષતા ગણાવતા એક વ્યકિતનો અનુભવ કહ્યો જેણે તેમની સમક્ષ ગૌમૂત્રથી કેન્સર મટયાનો દાવો કર્યો હતો. ભારતીય ચિકિત્સા પધ્ધતિ અને હોમીયોપેથી અંગેના બે વિધાયકો પર એક સાથે થઇ રહેલી ચર્ચામાં ભાગ લેતા ફર્નાન્ડીસે કહ્યું, 'જ્યારે પણ હું ગૌમૂત્રની વાત કરૃં છું ત્યારે મારા બહુ સારા મિત્ર જયરામ રમેશ મારા ટાંટીયા ખેંચે છે.'

તેમણે કહ્યું કે, મને મેરઠ પાસેના એક આશ્રમમાં એક એવો વ્યકિત મળ્યો હતો જેણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર પીને તેણે પોતાને થયેલું કેન્સર મટાડ્યું હતું. ફર્નાન્ડીસે યોગ, કુદરતી ઉપચાર અને ભારતીય ચિકિત્સા પધ્ધતિની પ્રશંસા કરતા પોતાનો અનુભવ કહ્યો હતો. તેમણે કહ્યું કે, તેમને એકવાર ઘુંટણમાં બહુ દુખાવો થયો હતો અને ડોકટરોએ ઘુંટણ બદલાવાની સલાહ આપી હતી. ત્યારે મેં વજ્રાસન કરવાનું શરૂ કર્યું હતું અને આજે હું કોઇ મુશ્કેલી વગર કુશ્તી લડી શકું તેમ છું.

તેમણે અમેરિકામાં એક એવી વ્યકિતને મળ્યા હોવાનો દાવો કર્યો જે ૧૦૪ વર્ષનો હતો અને યોગ કરવાના કારણે તે યુવાઓની જેમ ઝડપથી ચાલતો હતો. ફર્નાન્ડીસે કહ્યું, 'યોગ આપણી સંપતિ છે. જો તમે યોગ કરશો તો તમારૃં આરોગ્ય બજેટ ૫૦ ટકા ઘટી જશે. જીવન જીવવાની આ રીત છે.'

(3:55 pm IST)