કોરોના ટેસ્ટ માટે મહારાષ્ટ્રમાં વધુ સાત લેબોરેટરી શરૂ કરાશે
દરદીઓના ટેસ્ટિંગ માટે મુંબઈ, પુણે અને નાગપુરમાં ત્રણ લૅબોરેટરીઝ કાર્યરત

મુંબઈ : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટે મુંબઈમાં ત્રણ સહિત રાજ્યમાં સાત વધુ લૅબોરેટરીઝ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ દરદીઓના ટેસ્ટિંગ માટે મુંબઈ, પુણે અને નાગપુરમાં ત્રણ લૅબોરેટરીઝ છે. મુંબઈમાં કે.ઇ.એમ હૉસ્પિટલ, જે.જે.હૉસ્પિટલ અને હાફકીન ઇન્સ્ટિટ્યૂટમાં પાંચેક દિવસોમાં કોરોના વાઇરસના ટેસ્ટિંગની સુવિધા શરૂ થનાર હોવાનું રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
રાજેશ ટોપેએ રોગચાળા બાબતે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'સાંગલી જિલ્લાના મિરજ, નાશિક, ધુળે અને ઔરંગાબાદની મેડિકલ કૉલેજોમાં પણ કોરોના કોવિદ-૧૯ ટેસ્ટિંગ ફેસિલિટીઝ શરૂ કરવાની તૈયારી સરકારે કરી છે. એ હૉસ્પિટલ્સમાં દરદીઓની સારવાર માટે આઇસોલેશન વૉર્ડ્સ છે. નવી લૅબોરેટરીઝના સ્ટાફને ટેક્નિકલ સપોર્ટ અને ટ્રેઇનિંગ પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાઇરોલોજી(એનઆઇવી)ના નિષ્ણાતો આપશે.
એનઆઇવી એ લેબોરેટરીઝને કોરોના વાઇરસના ટેસ્ટિંગનું એક્રિડિટેશન પણ આપશે. હું પુણેમાં એનઆઇવી અને નાયડુ હૉસ્પિટલની પણ મુલાકાત લઈશ. લૅબોરેટરી ફેસિલિટીઝ સ્થાપીને કાર્યાન્વિત કરવા તેમ જ સૅમ્પલ્સ કો-ઑર્ડિનેશન તથા ડેટા પ્રોસેસિંગની પણ ચર્ચા કરીશ. નાગપુરની જે મેડિકલ કૉલેજમાં કોરોના વાઇરસના શંકાસ્પદ કેસીસના સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યાં જરૂરી કિટ્સની તંગી છે. એવી કિટ્સની જરૂરિયાતનું પ્રમાણ અમે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. કેન્દ્ર સરકાર એ માટેની કિટ્સ મગાવી રહી છે.
મહારાષ્ટ્ર સરકાર કિટ્સનો અલગ ઓર્ડર પણ આપી શકે છે. રોગચાળા બાબતે કેન્દ્ર સરકારની સૂચનાઓને રાજ્ય સરકાર શિસ્તપૂર્વક અનુસરે છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં કોરોના વાઇરસના ટેસ્ટ્સ કરવાના વિષયમાં કેન્દ્ર સરકારની સૂચનાઓ અસ્પષ્ટ છે. કેન્દ્ર સરકારની સૂચનાઓ અનુસાર કોવિદ-૧૯ વાઇરસનો રોગચાળો ફેલાયો હોય એવા દેશોનો પ્રવાસ કરીને આવેલી અને રોગના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સૅમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવશે. એ બે પ્રકારોમાં આવતા ન હોય એવા લોકોના ટેસ્ટ કરવામાં નહીં આવે.