મુલુંડમાં ૪૦ લાખથી વધુનાં ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝર જપ્ત : દુબઇ મોકલાતો હતો
હૅન્ડ સૅનિટાઇઝરમાં ૭૦ ટકા જેટલું અલ્કોહૉલનું પ્રમાણ હોવું જોઈએ

મુંબઈ : મુલુંડમાં ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ૪૦ લાખ રૂપિયાથી વધુનાં ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝર જપ્ત કર્યાં હતાં. હૅન્ડ સૅનિટાઇઝર બીજા દેશોમાં મોકલવાની તૈયારી થઈ રહી હતી ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ રેઇડ પાડી માલ જપ્ત કર્યો હતો.
ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓને માહિતી મળી હતી કે મુલુંડ-વેસ્ટમાં આવેલા નાહૂર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા સિદ્ધિવિનાયક ઝાયકમ પ્રાઇવેટ લિમિટેડમાં મોટા પ્રમાણમાં હૅન્ડ સૅનિટાઇઝર ડુપ્લિકેટ પ્રમાણમાં બનાવવામાં આવી રહ્યાં છે. બુધવારે બપોરના ચાર વાગ્યે રેઇડ પાડી આશરે ૪૦ લાખ રૂપિયાનો માલ ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ જપ્ત કર્યો છે.
ફૂડ ઍન્ડ ડ્રગ્સ મુંબઈ વિભાગના જૉઇન્ટ કમિશનર ડી.આર. ગાહને સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે અમે ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝરનો માલ જપ્ત કર્યો છે એ માલ દુબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. બધો જ માલ અમે સીલ કરી અને જપ્ત કર્યો છે. હાથ ધોવા માટે વાપરવામાં આવતા હૅન્ડ સૅનિટાઇઝરમાં ૭૦ ટકા જેટલું અલ્કોહૉલનું પ્રમાણ હોવું જોઈએ જેનાથી હાથ પરના બેક્ટેરિયા મરી જાય. જે માલ અમે જપ્ત કર્યો છે એના પર આલ્કોહૉલનું પ્રમાણ ૩૦ ટકા કરતાં પણ ઓછું અમને મળ્યું છે.