ઉત્તરાખંડમાં હવે પ્રમોશનમાં અનામત નહીં મળે, બઢતી પરના પ્રતિબંધ હટાવ્યા
દહેરાદૂન,તા.૧૯ : ઉત્તરાખંડ સરકારે પ્રદેશની સરકારી નોકરીમાં બઢતી માટે આરક્ષણ હટાવી લીધું છે. પોતાની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ ત્રિવેન્દ્ર રાવત સરકારે આ મોટો નિર્ણય લીધો છે.આ સિવાય ઉત્તરાખંડ સરકારે બઢતી પર લાગેલ પ્રતિબંધ પણ હટાવી દીધો છે. સરકારના આ આદેશ બાદ લાંબા સમયથી આંદોલન કરી રહેલા જનરલ-ઓબીસીના કર્મચારીઓએ હડતાળ પણ પૂર્ણ કરી હતી. નોંધનીય છે કે પ્રદેશમાં જનરલ-ઓબીસીના કર્મચારીઓ બે માર્ચથી બઢતીમાં અનામત પૂર્ણ કરવાની માગને લઈને અનિશ્ચિત સમયગાળા સુધીની હડતાળ પર ઊતર્યા હતા. જોકે કર્મચારીઓની એવી પણ માગણી હતી કે બઢતી પર લગાવાયેલ પ્રતિબંધ હટાવવામાં આવે અને આરક્ષણ બંધ કરાવવાની સાથે રોસ્ટરમાં નવી વ્યવસ્થાને યથાવત રાખવામાં આવે.
રાજય સરકારે કર્મચારીઓના ઉગ્ર આંદોલનને ધ્યાનમાં રાખીને બુધવારે આ નિર્ણય લીધો હતો. સરકારે હડતાળને સમાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કર્મચારીઓ માગણી પર રહ્યા હતા.