કોરોનાનો પ્રકોપ ખતમ થવામાં લાગશે બે-ત્રણ મહિના
સરકાર કરી રહી છે પુરતી તૈયારીઓ

નવી દિલ્હી તા. ૧૯ :.. કોરોના સામે લાંબી લડાઇની તૈયારીઓ રાખવી પડશે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે આખી દુનિયામાંથી કોરોનાનો કહેર ખતમ થવામાં બે-ત્રણ મહિનાથી વધારે સમય લાગી શકે છે. જો સરકાર કોરોના ફેલાવાની ઝડપ ઓછી કરવામાં સફળ રહે તો ઓછામાં ઓછા નુકસાન સાથે આ લડાઇને જીતી શકાય છે.
આરોગ્ય મંત્રાલયનું માનવું છે કે દુનિયામાં હજુ કોરોનાનો પ્રકોપ ટોચ પર નથી પહોંચ્યો અને હજુ પણ તેમાં વધારો જોવા મળી શકે છે. પણ એક તરફ દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તો કેટલાય દેશો તેને રોકવામાં સફળ પણ થયા છે. તેમના અનુસાર, ભારત સરકાર આવા દેશોના સંપર્કમાં છે. ચીનનું ઉદાહરણ સામે છે જે ૧ર૦ દિવસની અંદર વુહાનમાં કોરોના ને રોકવામાં સફળ રહયું છે. તેમના અનુસાર, છેલ્લા સાત દિવસમાં વુહાનમાં કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો. આ જ રીતે જાપાન, દક્ષિણ કોરીયા અને સિંગાપુર પણ કોરોના ના દર્દીઓની સંખ્યા રોકવામાં સફળ થયા છે.
જે દેશોમાં કોરોનાનો પ્રસાર બહુ ઝડપી નહોતો ત્યાં આરોગ્ય વ્યવસ્થામાં પણ વાંધો ન આવ્યો અને મોતની સંખ્યા પણ ઝડપથી ન વધી. એક સીનીયર અધિકારીએ કહયું કે અત્યારે સરકારનું સંપૂર્ણ ધ્યાન એ વાત પર કેન્દ્રીત છે કે કોરોના વાયરસ ત્રીજા ફ્રેઝ સુધી પહોંચ તો કેમ રોકવો અને ઇટલી, ચીન, ઇરાન અને અન્ય યુરોપી દેશો જેવી તીવ્રતાએ ન પહોંચવા દેવો.કોરોનાના દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવવા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે તો તેમના ઇલાજમાં લાગેલા આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક અને અન્ય ઉપકરણોની જરૂરીયાત પણ વધવા લાગી છે. એન-૯પ માસ્કમાં શ્વાસ લેવા માટે લગાવાતા વેન્ટીલેશન ગીયર ચીનથી આવતા હતાં. હવે માંગને જોતા કંપનીએ બીજા દેશોમાંથી વેંટીલેશન ગીયર મંગાવવાના ચાલુ કર્યા છે. પણ કંપનીએ ચોખ્ખું કરી દીધું છે કે તે એક દિવસમાં પ૦ હજારથી વધારે માસ્ક નહીં બનાવી શકે. સરકારે કંપનીએ રોજે રોજ બનતા પ૦ હજાર માસ્ક ખરીદવા માટેનો ઓર્ડર આપી દીધો છે.