સરકારની દેખરેખ હેઠળ થશે માસ્કનું ઉત્પાદનઃ માસ્કની કિંમત આઠ રૂપિયાની આસપાસ રહેશે

નવી દિલ્હી તા. ૧૯ : કોરોનાના પ્રસારને જોતા માસ્કની અછત દૂર કરવા સરકારે પોતાની દેખરેખ હેઠળ તેના ઉત્પાદનનો નિર્ણય કર્યો છે. માસ્ક બનાવતી કંપનીઓ રોજેરોજ સરકારને રિપોર્ટ આપશે. સરકારે આ કંપનીઓ પાસેથી માસ્ક ખરીદવાની કિંમત પણ નક્કી કરી દીધી છે. એન-૯૫ માસ્કની કિંમત ૪૦-૫૦ રૂપિયા વચ્ચે અને ૩-પ્લાયવાળા માસ્કની કિંમત ૬થી આઠ રૂપિયા હશે. સરકાર આ કિંમતે કંપનીઓ પાસેથી માસ્ક ખરીદશે. આગામી એક મહિનામાં ૨ થી ૩ કરોડ માસ્ક સરકાર ખરીદશે. ૩૦-૪૦ લાખ એન-૯૫ માસ્ક ખરીદવામાં આવશે.
બુધવારે ટેક્ષ્ટાઇલ સચિવના અધ્યક્ષ પદે દેશભરના આઠ શહેરોમાં માસ્ક બનાવતી કંપની સાથે મીટીંગ કરાઇ હતી. તેમાં ખાસ તો મુંબઇ, સુરત, અમદાવાદ, કોઇમ્બતુર, કલકત્તા અને અમૃતસરની કંપનીઓ સામેલ હતી. બેઠકમાં નક્કી થયું કે ટેક્ષ્ટાઇલ કમિશ્નરના નેતૃત્વમાં માસ્કના ઉત્પાદન પર રોજીંદી નજર રખાશે. કંપનીઓને માસ્ક ઉત્પાદનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓ દુર કરવાન અને સપ્લાય ચેનને સુલભ બનાવવાની જવાબદારી સરકારની રહેશે .
મંત્રાલયના સૂત્રો અનુસાર, હવે કોરોના વાયરસની સારવાર દરમિયાન પહેરવામાં આવતા બોડી શુટનું પણ ઉત્પાદન દેશમાં જ થશે. અત્યાર સુધી બોડી શુટ માટે ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતું. પણ ઘરેલું સ્તરે ત્રણ કંપનીઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસારના બોડી શુટ બનાવવામાં સફળ થઇ ગઇ છે. આ કંપનીઓમાં વડોદરાની સ્યોર સેફટી, દિલ્હીની મનચંદા અને કોઇમ્બતુરની સિટ્રા સામેલ છે.
મંત્રાલયના સૂત્રો અનુસાર હાલમાં દર અઠવાડીયે ૨૦ હજાર બોડી શુટની જરૂરીયાત છે. બેઠકમાં એ વાતની પણ ચર્ચા થઇ હતી કે દરેક વ્યકિતએ માસ્ક પહેરવાની જરૂર નથી. સરકાર જે માસ્ક ખરીદશે, તેમાંથી એન-૯૫ માસ્કનો ઉપયોગ હોસ્પિટલોના કર્મચારીઓ માટે થશે. મીટીંગમાં બજારમાં માસ્કના મોં માગ્યા દામ લેવા બાબતે પણ ચર્ચા થઇ હતી. સૂત્રો અનુસાર, આગામી એક-બે દિવસમાં નેશનલ ફાર્માસ્યુટીકલ ઓથોરીટીના માધ્યમથી માસ્કની એમઆરપી નક્કી થઇ જશે.