અમેરિકામાં કોરોનાના ડાકલાઃ ૫૦ રાજ્યો ઝપટે
ઓસ્ટ્રેલીયામાં કટોકટી જાહેર કરવામાં આવીઃ સમગ્ર વિશ્વમાં ૨ લાખ લોકો સંક્રમિતથી પ્રભાવિત

નવી દિલ્હી, તા. ૧૯ :. કોરોના વાયરસ અમેરિકાના દરેક રાજ્યમાં પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા ૪૯ રાજ્યો આની ઝપટે ચડયા હતા અને વેસ્ટ વર્જીનિયામાં તેનો કોઈ દર્દી નહોતો પરંતુ હવે અહીં પણ કોરોનાનો દર્દી બહાર આવ્યો છે. આ સિવાય અમેરિકામા કોરોનાના કારણે મોતનો આંકડો ૧૧૦ની ઉપર થઈ ગયો છે.
અમેરિકાના ૧૮ રાજ્યો એવા છે જ્યાં ઓછામા ઓછા ૧ વ્યકિતનું મોત થયુ છે. કોરોનાના ૬૦૦૦થી વધુ દર્દીઓ બહાર આવ્યા છે. અમેરિકામાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ ન્યુયોર્કની છે. અહીં ૧૬૦૦થી વધુ કેસ બહાર આવ્યા છે તે પછી વોશિંગ્ટનનો નંબર આવે છે જ્યારે ૧૦૦૦ કેસ બહાર આવ્યા છે. કેલીફોર્નિયામાં ૬૦૦ કેસ જોવા મળ્યા છે.
વ્હાઈટ હાઉસના કહેવા મુજબ તે કોરોના સામે લડવા એક ટ્રીલીયન ડોલરના આર્થિક પેકેજ પર વિચાર કરી રહેલ છે. આમાથી ૨૫૦ અબજ ડોલરની રકમ અમેરિકાના બેન્ક ખાતાઓમાં સીધી જશે.
દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરીસને ત્યાં કટોકટી જાહેર કરી છે. આ સિવાય દેશમાં નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ઈમરજન્સી હોવાને કારણે સરકારને કર્ફયુ લગાવવાની શકિત મળી ગઈ છે હવે સરકાર અન્ય પગલાઓ લેશે.