દેશભરની બજારો બંધ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો
વેપારીઓના ટોચના કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) દ્વારા સ્પષ્ટતા કરાઇ

મુંબઇ, તા. ૧૯ : કોરોના વાઇરસથી બચવા માટે સરકાર અને પ્રશાસન દ્વારા ઉપાય યોજના કરાઇ રહી છે. કંપનીઓને કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની સુચના અપાઇ છે ત્યારે દિલ્હી સહિત દેશભરના બજાર પણ બંધ કરાયા હોવાની અફવા ઉડી છે. આ વિશે દેશભરના વેપારીઓના ટોચના કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(કેઇટ) એ સ્પષ્ટતા કરી છે કે દેશના કોઇ પણ ટ્રેડ એસોસીએશને બજાર બંધ કરવાનો હજી સુધી નિર્ણય નથી લીધો. આ વિશે સરકાર સહિત અન્ય એજન્સીઓ સાથે દિલ્હી અને દેશભરના વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. હા, સરકાર તરફથી આ બાબતે કોઇ નિર્ણય લેવાશે તો વેપારીઓ એનું પાલન કરશે એમ કેટની અખબારી યાદીમાં જણાવાયું છે.
કેઇટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે વેપારીઓના નેતાઓ બજારને બંધ કરવાનો કોઇ પણ નિર્ણય લેવાની પહેલા તમામ બાબતોનો વિચાર કરશે, કારણ કે વેપારીઓની દુકાનો દેશના ૧૩૦ કરોડ લોકોની જરૂરીયાતો પૂરી પાડવાનું મુખ્ય શ્રોત છે. દેશમાં અંદાજે ૭ કરોડ વેપારીઓ છે, જે ૪પ કરોડ લોકોને રોજગાર આપે છે.
બજાર બંધ કરવાનો નિર્ણય મોટો છે, જે લેતા પહેલા બધાએ તથા સરકાર સાથે વાતચીત કરવાનો લેવાવો જોઇએ. બજાર બંધ કરવાનો એકમાત્ર ઉપાય નથી, જયારે અત્યાર સુધી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ ચાલુુ છે. ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા માલ સપ્લાય કરતી વખતે કોરોનાનો ચેપ લાગવાની શકયતા નકારી ન શકાય.