મુખ્ય સમાચાર
News of Thursday, 19th March 2020

કોરોનાના કહેરને કારણે ફિલીપાઈન્સમાં ગમે ત્યારે લોકડાઉન કરાશે :અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

દેશ છોડવાનો આદેશ : 200 જેટલા વિદ્યાર્થીઓની હાલત કફોડી

અમદાવાદ : કોરોના વાયરસને કારણે ભારત સહીત વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે અનેક દેશોમાં કોરોનાએ આતંક મચાવ્યો છે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ વિશ્વના અનેક દેશોમાં ભણી રહ્યાં છે કોરોનાને કારણે આ વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા છે. ચીનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા એરલિફ્ટ કરાયા હતા. પરંતુ ફિલીપાઈન્સમાં 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. કોરોના વાયરસ ના હાહાકારને પગલે ફિલીપાઈન્સ સરકારે અન્ય દેશોના લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે. ત્યારબાદ ફિલીપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે. ત્યારે હાલ 200 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.

હાલ મનાલીમાં પ્રાંત પટેલ, રોમિલ પટેલ, જીમિત પટેલ, હિત પટેલ, ધ્રુવ પટેલ, મીત પટેલ જેવા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદના છે. આ તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ઓફ પરપેચ્યુઅલ હેલ્પ સિસ્ટમ ડાલ્ટામાં અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટી મનીલામાં આવેલી છે. 

તો અન્ય એક વિદ્યાર્થીએ વીડિયો દ્વારા કહ્યું હતું કે, અમને ગઈકાલે કહેવામાં આવ્યું કે ફિલીપાઈન્સ 72 કલાકમાં લોકડાઉન થઈ રહ્યું છે. તેથી અમે તાત્કાલિક ટિકીટ બૂક કરાવી. અમારી ભારતીય સરકાર અમને ઈન્ડિયા આવવાની મનાઈ ફરમાવી છે. બોર્ડિંગના સમયે જ અમારું બોર્ડિંગ રોકી દેવાયું અને ફ્લાઈટ કેન્સલ કરાવી. તેઓએ કહ્યું કે, મલેશિયન ગર્વમેન્ટ અમને આવવા ના પાડે છે. અમને પરત જવા કહ્યું. અમે વીડિયો બનાવવાની વાત કરી તો પોલીસ બોલાવાનું કહ્યું. અહીં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને ડરેલા છે. સરકાર અમને પરત લઈ જાય તેવું ઈચ્છી રહ્યાં છે. ઈમિગ્રેશનના રૂપિયા પણ પરત નથી કર્યાં. એમ્બેસી અમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરે. અહીં ચારેબાજુ કરફ્યૂ લાગેલો છે. 

બીજી તરફ લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો કે , લીંબડી ગામનો અંકુર પંડ્યા નામનો વિદ્યાર્થી ફિલીપાઈન્સમાં એબીબીએસ કરી રહ્યો છો. તે હાલ કોરોના વાયરસને કારણે ફસાઈ ગયો છે. તેને પરત લાવવા માટે મદદ કરવા ભલામણ કરી છે. 

(12:00 am IST)