કોરોનાને કારણે લોકોમાં ભય :ઘરમાં અનાજ સંગ્રહ તરફ વળ્યાં : પાસવાને કહ્યું- ડરવાની જરૂર નથી
દિલ્હીના કિરાના બજારમાં ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકોની જબરજસ્ત ભીડ જામી

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસથી લોકોમાં ભયનો માહોલ જોવાયો છે અને દેશમાં ગમે ત્યારે ચીનના વુહાન જેવી લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેનાથી ગભરાઈને લોકોએ પોતાના ઘરમાં અનાજ સહિત રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું છે. તેના પરિણામસ્વરૂપ દેશના ઘણા ભાગમાં દુકાનોમાં અનાજ પૂરૂ થવું અને તેની કિંમતોમાં વધારો થવાની માહિતી સામે આવવા લાગી છે. લોકોનો આ ડર દૂર કરવા ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે સરકારની પાસે પર્યાત્પ માત્રામાં અનાજ ઉપલબ્ધ છે અને લોકોએ તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
નોઇડાના સેક્ટરમાં 82માં કંઇક આવો નજારો જોવા મળ્યો હતો જ્યાં દુકાનોમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. થોડીવારમાં તો દુકાનોમાં ઘણા સામાનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો. હવે કરિયાણાના દુકાનદારોનું કહેવું છે કે માલ પૂરો થયો છે અને આગળથી સપ્લાઇ આવી રહી નથી. જેનો અર્થ છે કે દુકાનદારોએ પણ સ્ટોકનો સંગ્રહ શરૂ કરી દીધો છે. તો દિલ્હીમાં પણ કંઇક આવો નજારો જોવા મળ્યો હતો. દિલ્હીના સૌથી મોટા કિરાના બજાર ખારી બાવલીમાં સામાન ખરીદવા માટે લોકોની જબરદસ્ત ભીડ જોવા મળી હતી.