કોરોનાની ઈફેક્ટ : દક્ષિણ આફ્રિકાની ટીમ સ્વદેશ પહોંચી : 14 દિવસ પોતાને ક્વારનટાઇનમાં રાખશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના ખેલાડી સ્વદેશ પરત ફર્યા બાદ કોરોના વાયરસને કારણે 14 દિવસ સુધી ખુદને અલગ રાખશે. ભારતનો પ્રવાસ રદ્દ થયા બાદ ટીમ સ્વદેશ પહોંચી છે.
સ્પોર્ટ 24એ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી શોએબ માંજરાના હવાલાથી કહ્યું, અમે સલાહ આપી છે કે તમામ ખેલાડી ઓછામાં ઓછા 14 દિવસ સુધી પોતાને ક્વારનટાઇનમાં રાખશે, કારણ કે મને લાગે છે કે લોકોની રક્ષા માટે આ એક નિયમિત માર્ગદર્શન છે.
તેમણે કહ્યું, 'આ દરમિયાન જો કોઈને કોઈ પ્રકારના લક્ષણ દેખાય છે તો અમે તે નક્કી કરશું કે તેની યોગ્ય રીતે તપાસ થાય.
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકત્તાથી મંગળવારે સ્વદેશ માટે રવાના થઈ હતી. યજમાન ટીમે ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે આ શ્રેણી રદ્દ કરવામાં આવી હતી.