યંગ ગ્લોબલમાં હવે વિવેક સાલગાંવકરને સ્થાન મળ્યું
પ્રતિષ્ઠિત ફોરમમાં ભારતીય સામેલ
અમદાવાદ,તા. ૧૯ : ૩૩ વર્ષીય ભારતીય-મૂળનાં બિઝનેસમેન શ્રી વિવેક સાલગાંવકર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પ્રતિષ્ઠિત ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ ૨૦૨૦ની યાદીમાં સામેલ થયા છે, જે બહુ નોંધનીય અને ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય. કેટલાંક ઉદ્યોગમાં કાર્યરત મોટા, પારિવારિક-માલિકીના જૂથનો ભાગ હોવા છતાં સાલગાંવકરે ખાણકામ અને કુદરતી સંસાધનોના ઉદ્યોગો માટે પર્યાવરણને જવાબદાર અને સામાજિક રીતે જવાબદાર પદ્ધતિસર ઇનોવેટિવ ટેકનોલોજીઓનાં સર્જન અને વાણિજ્યિકરણને ટેકો આપ્યો છે તથા અલગ ચીલો ચીતર્યો છે. ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ ૨૦૨૦ની શરૂઆત વર્ષ ૨૦૦૪માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)ના સ્થાપક ક્લાઉસ સ્ક્વાબે કરી હતી. સાલગાંવકરની સાથે આ યાદીમાં ૫૧ દેશોમાંથી અન્ય ૧૧૩ એક્ટિવિસ્ટ, શિક્ષાવિદો અને રાજકીય આગેવાનો સામેલ હતા.
ચાલુ વર્ષે સામેલ થયેલા લોકોમાં ફિનલેન્ડનાં પ્રધાનમંત્રી સાના મેરિન, અમેરિકાની વિશ્વવિજેતા મહિલા સોકર ટીમનાં કેપ્ટન તથા જાતિઅધિકારોનાં કાર્યકર્તા મેગન રાપિનોઈ તેમજ ક્રિસ્ટોનાં સહસ્થાપક અને પીઅર-ટુ-પીઅર મની ટ્રાન્સફર બિઝનેસ ટ્રાન્સફરવાઇઝનાં સીઇઓ સામેલ છે. આ ફોરમમાં સામેલ થવાની જાણકારી મળતાં વિમ્સન ગ્રુપનાં ડાયરેક્ટર શ્રી સાલગાંવકરે કહ્યું હતું કે, યુવા આગેવાનોના આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સમુદાયમાં સામેલ થવું ગર્વની વાત છે. આ ગ્રુપ ઉદ્યોગ, નીતિ અને કોઈ સામાજિક પ્રતિબદ્ધતાના સુભગ સમન્વયનું પ્રતિબિંબ છે, જે લાંબા ગાળે વિશ્વને વધારે જીવવાલાયક સ્થાન બનાવશે. વિમ્સન ગ્રુપ ખનીજ સંસાધનો, રિયલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવતું કૌટુંબિક માલિકી ધરાવતું ઉદ્યોગસાહસ છે. ગ્રુપ હેલ્થકેર અને સ્પોર્ટ્સમાં સામુદાયિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં સક્રિયપણે સંકળાયેલું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોગ્રામ ટેકનોલોજીની ઓછી ઉપયોગિતા ધરાવતા પરંપરાગત ઉદ્યોગ ગણાતા ઉદ્યોગમાં ઇનોવેશન દ્વારા કાર્યકારી કાર્યદક્ષતા સુધારવામાં મને ઉપયોગી થશે. સાલગાંવકર માર્ચ, ૨૦૨૦થી પ વર્ષનાં પ્રોગ્રામમાં નવા ક્લાસમાં સામેલ થશે.