પાટીદારને મહત્વ નહી અપાતાં રાજીનામું આપ્યુ છે : જે.વી. કાકડિયા
કોંગ્રેસમાંથી રાજીનામંુ આપનારનો ખુલાસો : રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં અમને મહત્વ મળ્યું નથી : જે.વી. કાકડિયા દ્વારા કરાયેલું નિવેદન

અમદાવાદ,તા.૧૯ : રાજયસભાની ચૂંટણીને લઇ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હજુ આ ધારાસભ્યોના ભાજપમાં જોડાવવા અંગેની કોઇ સ્થિતિ સ્પષ્ટ થઇ નથી ત્યારે ધારી-બગસરાના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા છે. તેઓ પોતાના ચલાલા સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા ત્યારે અહીં કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પર આરોપો લગાવી જણાવ્યું હતું કે, ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે,
રાજ્યસભામાં પાટીદારોને મહત્વ નહી આપતા રાજીનામું આપ્યું છે. કાકડિયાએ પોતાની હૈયાવરાળ સ્પષ્ટ કરવાની સાથે આગળ શું કરવું તે મુદ્દે જો કે, કોઇ ફોડ પાડયો ન હતો. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જાહેરમાં આવેલા કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજ્યસભામાં પાટીદારોને સ્થાન આપ્યું નથી. રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં પણ અમને મહત્વ મળ્યું નથી. ત્રણ વખત કોંગ્રેસને કહેવા છતાં પણ કોંગ્રેસે એક પણ રાજ્યસભામાં પાટીદારોને મહત્વ નહી આપતા રાજીનામું આપ્યું છે. તા.૧૯ માર્ચે રાજીનામું દીધા પછી હું ગાંધીનગર મારા ક્વાર્ટર પર જ હતો.
અજ્ઞાતવાસમાં ગયો નથી, જાહેરમાં જ બેઠો હતો. ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે. કોઇ પણ પ્રકારની ભાજપ સાથે વાત નથી થઇ. મારા મતદારો અને ગ્રામ્ય કક્ષાના આગેવાનોને મળીને નિર્ણય કરીશું કે આગળ શું કરવું. આમ, કાકડિયાએ આગળની રણનીતિ કે ઇરાદાઓ અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડયો નથી.