કોંગ્રેસના ઉમેદવારો રિસોર્ટ છોડીને ગૃહ સંકુલમાં દેખાયા
કોંગ્રેસે ૨૬મી સુધી ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે : શક્તિસિંહ ગોહિલના ચૂંટણી એજન્ટ શૈલેષ પરમાર રહેશે

અમદાવાદ,તા.૧૯ : રાજ્યસભા ચૂંટણી આડે હવે માંડ એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પ્રતિષ્ઠાભર્યા આ જંગમાં જીત મેળવવા મરણિયા પ્રયાસો કરવા તત્પર બન્યા છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ ખૂટી રહેલા એક-એક મત ખેંચવાની વેતરણમાં જોરદાર રાજકીય કૂટનીતિ ચાલી રહ્યા છે. તા.૧૫ માર્ચે પાંચ ધારાસભ્યોના રાજીનામા અને ગુમ થવાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં લઈ ગઈ છે. ફાઈવસ્ટાર રિસોર્ટમાં આરામ કરતા ધારાસભ્યોના મતના આધારે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની હાર-જીતનો ફેંસલો થવાનો છે,
ત્યારે આજે કોંગ્રેસના બંને ઉમેદવારો ભરતસિંહ અને શક્તિસિંહ વિધાનસભા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત વિધાનસભાના નાયબ સચિવ એ.બી. કરોવા સાથે થઈ હતી. કોંગ્રેસના બંને ઉમેદવારોની વિધાનસભા સંકુલમાં હાજરીને લઇ ભારે ચર્ચા ચાલી હતી. જો કે, બંનેએ વિધાનસભા ગૃહમાં હાજરી આપી ન હતી. જ્યારે વિધાનસભામાં કોંગ્રેસના દંડક શૈલેષ પરમાર, અમિત ચાવડા અને સી.જે.ચાવડા પણ આવ્યા હતાં.
પરંતુ કોંગ્રેસે તા.૨૬ માર્ચ સુધી ગૃહમાંથી વોક આઉટ કર્યું હોવાથી ગૃહમાં હાજર રહ્યાં નહોતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમારી પાસે જીતવા માટેનું ગણિત અને રણનીતિ છે અને સંપર્ક પણ છે. બીટીપી(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ૨૦૧૭ની ચૂંટણીથી અમારો સાથી પક્ષ રહ્યો છે અને સમાન વિચારધારા વાળો પક્ષ હોવાથી તે સાથે જ રહેશે. તેની સાથે સાથે કોંગ્રેસે પોતાના ચૂંટણી એજન્ટની પણ નિમણૂંક કરી છે. શક્તિસિંહ ગોહિલના ચૂંટણી એજન્ટની જવાબદારી શૈલેષ પરમારને સોંપી છે જ્યારે ભરતસિંહ સોલંકીના ચૂંટણી એજન્ટની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે. આ અંગે ચૂંટણી અધિકારીને જાણ પણ કરી હતી.
ભાજપના ઉમેદવારો માટે પણ ચૂંટણી એજન્ટ નક્કી કરવાની તજવીજ ચાલી રહી છે. જો કે, હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારોને જીતાડવા અને ખૂટતા મત હાંસલ કરવા રાજકીય કૂટનીતિનો સહારો લઇ રહ્યા છે.