રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી હાલ મોકૂફ કરાઈ
ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા પણ મોકૂફ : ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠક અને ૧૩ નપાની ૨૯ બેઠકોની પેટાચૂંટણી મોકૂફ થઇ :યુનિવર્સિટી પરીક્ષા મોકૂફ

અમદાવાદ,તા.૧૯ : રાજયમાં કોરોના ઇફેકટને લઇ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે તો, કોરોના વાઈરસના સંક્રમણની દહેશત વચ્ચે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૨મી માર્ચે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઓ પણ હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે. આમ, કોરોના સંક્રમણની દહેશતને લઇ હવે વ્યાપક અસરો જોવા મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર એટલે કે તા.૨૨ માર્ચના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.
તેમજ રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતની ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ૨૯ બેઠકોની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી માટે તા.૨૨ માર્ચના રોજ મતદાન અને ૨૪ માર્ચે મતગણતરી યોજાવાના હતા. બીજીબાજુ, ગુજરાત યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ જ પ્રકારે ઉત્તર ગુજરાત હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીમાં તા.૧૭ માર્ચથી શરૂ થતી સેમ-૪, ૬ની પરીક્ષા મોકૂફ રખાઇ છે. બીજીબાજુ, અમદાવાદ યુનિવર્સિટીમાં આજથી શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને જીટીયુ ખાતે પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે શાળા-કોલેજો તા.૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને હાલ તો, ધોરણ-૭થી ૯ અને ધો-૧૧ના વિદ્યાર્થીઓને ઘેર બેઠા ટીવી મારફતે શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ સરકારે શરૂ કર્યો છે.