સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેકટ ૨૫ માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ હોય 2000 પ્રવાસીઓને રિફંડ અપાયુ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજય સરકારનાં આદેશ મુજબ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય દર્શનીય સ્થળો તા.૧૮ થી ૨૫ માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાની સુચના મળતા હાલ આ તમામ પ્રોજેકટ બંધ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદાર અને જીલ્લા કલેકટર, નર્મદા,મનોજ કોઠારી દ્વારા ગત તારીખ ૧૭ માર્ચે માધ્યમો સમક્ષ બંધ રાખવા સંબંધે જાહેરાત કરાઇ હતી.જે અનુસંધાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ અહિયાની કચેરી ખાતે ઉપલબ્ધ ટિકીટીંગ સિસ્ટમ દ્વારા જે પ્રવાસીઓએ એડવાન્સ ઓન લાઇન બુકીંગ કરાવ્યું હતું તેવા લગ ભગ ૨૦૦૦ જેટલા પ્રવાસીઓને તાત્કાલીક ૨૪ કલાક માં જ રીફંડ આપી દેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રીફંડ બાબતે પ્રવાસીઓ પાસેથી કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો નથી. આ 2000 પ્રવાસીઓનાં ૮૦૦ જેટલા બુકીંગ બાબતે તાત્કાલીક તમામનો ટેલીફોનિક તેમજ ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરીને તરત આ અંગે જાણ કરી રીફંડ આપ્યા બાદ પણ અહીંયા ની કચેરી દ્વારા આ અંગે પ્રવાસીઓ સાથે ખાતરી કરવામાં આવી હતી.
તેમ છતા કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો કચેરી દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર-૧૮૦૦-૨૩૩-૬૬૦૦ પર સવારે ૮.૦૦ થી સાંજના ૬.૦૦ દરમ્યાન(સોમવાર સિવાય)સંપર્ક કરી શકાશે.તેમ વહીવટદાર કચેરી તરફથી જાણવા મળ્યું છે.