ખંભાત તાલુકાના ખટનાલમાં સાંજના સુમારે વજન કરાવવા જેવી નજીવી બાબતે દંપતીને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

ખંભાત: તાલુકાના ખટનાલ તાબે નારાયણપુરા ખાતે ગઈકાલે સાંજના સુમારે વજન કરાવવાની બાબતે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઠપકો આપવા આવેલા દંપતીને લાકડી તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી પંકજભાઈ જશવંતભાઈ પ્રજાપતિના પત્ની ધનલ-મીબેન આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોય ગઈકાલે મનનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આંગણવાડીમાં ગયા હતા અને ત્યાંના વજન કાંટા ઉપર વજન કરવાનું કહેતા જ ધનલ-મીબેને આ બાળકો માટેનો વજન કાંટો છે તેમ જણાવીને ના પાડી હતી. જેથી આ બાબતે બોલાચાલી થવા પામી હતી. ઘરે આવેલી ધનલ-મીબેને પતિને વાત કરતાં જ બન્ને જણાં તેમના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા જ્યાં મનનભાઈ અને વિઠ્ઠલભાઈએ ગમે તેવી ગળો બોલીને લાકડીથી માર માર્યો હતો. જ્યારે સંગીતાબેને પણ આવી ચઢીને ધનલ-મીબેનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.