આણંદ નજીક મોગરમાં નર્સરીની બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી ગઠિયો 10 હજારની રોકડ સહીત કાર્ડ તફડાવી છૂમંતર......

આણંદ: નજીક આવેલા મોગર ગામે હાઈવે પર આવેલી એક નર્સરીની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડીને ગઠિયો અંદરથી ૧૦ હજારની રોકડ, એટીએમ કાર્ડો તેમજ જરૂરી દસ્તાવેજોવાળુ લેડીઝ પર્સ ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી મોહિતભાઈ મેઘજીભાઈ ચાવડા મુળ જામનગરના ધ્રોલ ગામના વતની છે પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી મોગર ખાતે રહે છે.
આજે સવારના સુમારે તેઓ સ્વીફ્ટ કાર નંબર જીજે-૧૦, બીઆર-૦૫૫૭માં તેમજ અન્ય કારમાં પરિવારના સભ્યો સાથે મોગર હાઈવે પર આવેલી નવનીત નર્સરી ફાર્મમાં છોડ ખરીદવા માટે આવ્યા હતા. ૧૧ વાગ્યાના સુમારે તેઓએ કારને બહાર રોડ ઉપર પાર્ક કરી હતી અને નર્સરીમાં ગયા હતા. દરમ્યાન કોઈ ગઠિયાએ કારની ડ્રાયવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડીને અંદર મૂકેલુ રિધ્ધીબેનનું લેડીઝ પર્સ ચોરી કરી લીધું હતુ. એક કલાક બાદ પરત ફરતા કારનો કાચ તૂટેલો અને પર્સ ગાયબ જોતાં જ આસપાસ તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ. પર્સમાં દશ હજાર રોકડા, એટીએમ કાર્ડો, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો હતા. જેથી તેઓએ વાસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.