ધાનેરા તાલુકાના જોડી ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મૃત્યુ: પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

ધાનેરા:તાલુકાના જાડી ગામે શેરા ગામ જતા રસ્તા પર ખેતરમાં મકાન બનાવી શેરસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે રહેતા હતા અને અવર-નવાર ઘરમાં ઝઘડા કરવાથી ટેવાયેલા શેરસિંહએ ફરી ગત સાંજે ઘરે ઝઘડો કર્યો હતો. પોતાની પત્ની કુંવરબાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલી મહિલાએ ઘરનો ઓરડો બંધ કરી તેમાં પુરાઈ ગઈ હતી. જોકે ઉશ્કેરાયેલા પતિએ ઘરના નળિયા દૂર કરી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરતા માર ખાવો ના પડે તેથી કુવરબાઈ પોતાનો જીવ બચાવવા માટે ઘરનો દરવાજો ખોલી બહાર તરફ દોડ લગાવી હતી. જ્યારે હેવાન હત્યારો શેરસિંહ પણ તેનીપાછળ દોડી ઘરના થોડે દૂર જઈ તેને જમીન પર નાખી હાથ લઈ આવેલ લોખંડના પાટા વડે એક પછી એક વાર માથાના ભાગે કરતા મહિલા ઘટના સ્થળે જ તડપી તડપીને મોતને ભેટી હતી. આસપાસના સગા-સંબંધી પણ દોડી આવ્યા હતા. મહિલાને હોસ્પિટલ લઈ જવાય એ પહેલા જ લોહીથી લતપથ મહિલા મોતને ભેટી હતી. આ મામલે ધાનેરા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ડાભી ગત સાંજે જાડી ગામે પહોંચી હત્યા કરાયેલ મહિલાની લાશને ધાનેરા સરકારી દવાખાને પોસ્ટમોટમ માટે લઈ જવાયો હતો. જ્યારે આજરોજ બનાસકાંઠા એફએસએલ ટીમ દ્વારા પણ બનાવ વાળી જગ્યા પર લોહીના નમૂના લઈ તપાસ હાથ ધરી છે. જ્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તરીકે લોખંડનો પાટો પણ મળી આવ્યો છે. ધાનેરા પોલીસે ફરિયાદી પદમસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર હત્યારાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.