ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી:1.790 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની રંગે હાથે ધરપકડ કરવામાં આવી

ગાંધીનગર:જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે બાતમીના આધારે કલોલ તાલુકાના રાંચરડા ગામની સીમમાં હુડકો વસાહતમાં દરોડો પાડીને ગાંજાનું વેચાણ કરતાં મહિલાને ૧.૭૯૦ કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી પાડી હતી. એટલું જ નહીં આ જથ્થો પહોંચાડનાર શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ મામલે સાંતેજ પોલીસમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણમાં વધારો થયો છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આ પ્રકારે અફીણ ગાંજાનું વેચાણ વધ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે જેના પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તમામ પોલીસ મથકોના ઈન્ચાર્જને તેમના વિસ્તારમાં આ નશીલા પદાર્થોના વેચાણ સંદર્ભે ખાસ તકેદારી રાખીને આવા તત્ત્વોને પકડવા માટે સુચના આપવામાં આવી છે.