કામરેજ તાલુકાના સીમાડી ગામમાં મહિલા તલાટી વતી 71 હજારની લાંચ લેવાની ઘટનામાં યુવાન રંગે હાથે ઝડપાયો

સુરત: જીલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામમાં ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનું કામ કરનાર સુરતના કોન્ટ્રાક્ટર પાસેથી બિલના રૂ.10.60 લાખના પેમેન્ટના બદલામાં રૂ.71,000ની લાંચ માંગનાર મહિલા તલાટી કમ મંત્રી વતી રૂ.71,000ની લાંચ લેતા યુવાનને ગતરાત્રે એસીબીએ ઝડપી લીધો હતો. મહિલા તલાટી કમ મંત્રી ફરાર થઇ ગઈ હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતા એક કોન્ટ્રાકટરે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામમાં ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનું કામ ઓગષ્ટ 2019માં પૂર્ણ કર્યું હતું. કામ પૂર્ણ થયા બાદ બિલના રૂ.10.60 લાખ પૈકી કોન્ટ્રાકટરને રૂ.9 લાખ ગ્રામ પંચાયતમાંથી ચુકવવામાં આવ્યા હતા અને રૂ.1.60 લાખ લેવાના બાકી હતા.