ઇનામદારની વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ચાય પે ચર્ચા
ચૂંટણીને લઇ ચર્ચા અને અફવાનું બજાર ગરમ : ભાજપથી નારાજ હોવાનો ઈન્કાર કરાતા ચર્ચા શરૂ કરાઈ

અમદાવાદ,તા.૧૮ : ગુજરાતમાં આગામી તા.૨૬મી માર્ચના રોજ યોજારનારી રાજ્યસભાની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને જયપુર રિસોર્ટમાં બચાવ અભિયાન ચલાવી રહી છે ત્યારે ભાજપના ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા અને અફવાના બજારને લઇ આજે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે સાથે સાવલીના ભારતીય જનતા પાર્ટીના ઘારાસભ્ય કેતન ઈનામદારની મુલાકાત થઈ હોવાની ચર્ચાને લઇ રાજકારણ ગરમાયું હતું. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીનો સંપર્ક કરાયો હોવાની અફવાએ પણ જોર પકડ્યું હતું. ખાસ કરીને આ બંને ધારાસભ્યો દ્વારા રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને લઇ અફવા બજાર ગરમ રહ્યું હતું. જો કે, આ મામલે કેતન ઈનામદાર અને સી.કે.રાઉલજીએ નિવેદન આપ્યું છે કે, તેઓ ભાજપથી નારાજ નથી અને તેઓ ભાજપની સાથે જ છે.
આમ, તેમણે સમગ્ર વિવાદ પર પડદો પાડી દીધો હતો. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું કે, મારી નીતિ નાક દબાવવાની નથી. હું ૨૦૧૨માં વિધાનસભામાં એક માત્ર હું અપક્ષ હતો ત્યારે મેં મારી પાર્ટીને વફાદાર રહીને મત આપ્યો હતો. નાક દબાવવાની વાત કે કમીટમેન્ટની વાત નથી. મારી નારાજગી પણ હું ખુલ્લેઆમ વ્યક્ત કરૃં છું. મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ મેં કોઈ દિવસ નાક દબાવ્યું નથી. પરેશ ધાનાણીની ચેમ્બરની ઓફિસ હું મિત્રતાના નાતે ચા પીવા ગયો હતો. કેતન ઈનામદાર એના મતદારોનું માથું નીચું જાય તેવા કામ ન કરું.
દરમ્યાન ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું કે, મારી નારાજગીના અહેવાલો ખોટા છે. હું નારાજ નથી. સવારથી સાંજ સુધી હું ગૃહમાં જ હોવ છું. કોંગ્રેસે મારો સંપર્ક કર્યો હોવાના અહેવાલો તદન ખોટા છે. હું ભાજપમાં જ છું અને બાકીના તમામ અહેવાલો પાયાવિહોણા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નારાજ ધારાસભ્યો રાજીનામા ધરી દેતા આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી એક જ ઉમેદવાર જીતે તેવી વકી છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણીના સંખ્યાબળના ગણિતને જોતા પૂરતાં મતો નથી. દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રથમ મત શક્તિસિંહ ગોહિલને આપવાનો મેન્ડેટ આપ્યો હોવાના અહેવાલો છે. આમ કોંગ્રેસે ભરતસિંહને ખૂટતાં મતોની વ્યવસ્થા કરી લેવાની જવાબદારી સોંપતા સમગ્ર મામલો ગરમાયો છે.