જેતલસરમાં ૧૫ દિ'માં કોરોનાના ૭ દર્દી

જેતલસર, તા.૨૦: જેતપુર તાલુકાના જેતલસર ગામે ધીમા પગરવે પ્રવેશેલો કોરોના હવે વેગ પકડીને પ્રસરી રહ્યો છે.
જેઓને કોરોના થયો છે તેઓના વિસ્તારો પંચાયત તંત્ર જાહેર કરતુ નથી અને જેઓને કોરોના ના હોય તેમના નામ જાહેર કરીને અક્કલનું પ્રદર્શન કરતા હોવાનું એક વિપ્ર મહિલાના બનાવમાં બન્યું હતું.
જાગૃત માણસો એવું પણ કહે છે કે સ્થાનિક આરોગ્ય કેન્દ્રનો તબીબી સ્ટાફ કોરોના મહામારીને મહદંશે હળવી કરવા સારી ફરજ બજાવી રહ્યો છે પણ ગામમાં ગંદકી દૂર કરાવવાની વાતમાં બેધ્યાનપણું દાખવી રહ્યા છે.
ગામમાં કોરોના ઉપરાંત બીજો રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ગામના જાગૃત યુવાનો કહે છે કે ગામના જે જે વિસ્તારમાં હાલ કોરોનાના દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇ થઈને સારવાર હેઠળ છે તેવા વિસ્તારો નામ પંચાયત તંત્રએ જાહેર કરવા જોઈએ કે જેનાથી અન્ય લોકો આ વિસ્તારમાં અવરજવર ઓછી કરીને કોરોનાથી સંક્રમિત થતા બચે.
દરમિયાન સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો પાસેથી વિગતો મળી હતી કે તા.૨-૯ થી તા.૧૬-૯ દરમિયાન ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ, દવાખાના રોડ, ઉપરકોટ વિગેરે વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૭ દર્દીઓ નોંધાયા છે. આ બધાની હાલત હાલ ભયમુક્ત ગણાવાઈ રહી છે.