વિજળીએ ૭ પશુઓનો ભોગ લેતા જામકંડોરણાનુ ચિત્રાવડ ગામ શોકમય બંધઃ પશુઓની દફનવિધી

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૧: જામકંડોરણા પંથકમાં કાલે બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. જામકંડોરણા શહેરમાં કાલે બપોર બાદ સાંજના ૪ વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધીમાં ૨૫ મી.મી. (એક ઇંચ) વરસાદ પડયો હતો જયારે તાલુકાના ગુંદાસરી, ચિત્રાવડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે બે થી અઢી ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો હતો. જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે કાલે બપોર બાદ ગાજવીજ સાથેના વરસાદમાં ગામના ગાયોના ધણ પર વીજળી પડતા પાંચ ગાયોના મોત થયા હતા જયારે બાજુની વાડીમાં બાંધેલ ખેડુતની એક ગાય તથા એક ભેંસ પર વિજળી પડતા મોતને ભેટી હતી આમ વિજળી પડવાથી કુલ છ ગાયો તથા એક ભેંસનું મૃત્યુ થયુ હતું આ એક સાથે સાત પશુઓના મોત થતાં ચિત્રાવડ ગામમાં અરેરાટી ફેલાઇ હતી અને ગામ શોકમગ્ન બની ગું હતું ત્યારે ગામના સરપંચ દાનભાઇ તેમજ અગ્રણી સેજુઇભાઇ ભુત સહિતના ગામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ જણાવેલ કે આજે ગામના ધણ ઉપર વિજળી પડી છે તે મોટી આફત ગણાય અને આ બનાવથી આખુ ગામ શોકમય બની ગયું છે અને ગામના લોકોએ નક્કી કર્યુ છે કે આ મૃત પશુઓની દફનવિધી કરવામાં આવે ત્યાં સુધી ચિત્રાવડ ગામ સંપૂર્ણ બંધ રહ્યુ હતુ આજે ચિત્રાવડ ગામે બંધ પાળી ગામ લોકો દ્વારા આ પશુઓની દફનવિધી કરવામાં આવી હતી.