ભારે વરસાદ - તોફાની પવનને કારણે ૫ જિલ્લામાં ૧૬૫ ફીડર બંધ : ૫૯ થાંભલા પડી ગયા

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં અમુક વિસ્તાર - જિલ્લામાં ભારે વરસાદને કારણે વીજ થાંભલા પડી ગયાની અને ફીડરો ટ્રીપ થવાની ઘટના બનવા પામી છે.
આજે સવારે ૯ વાગ્યાના રીપોર્ટ મુજબ મોરબી, ભુજ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર પંથકમાં ૧૬૫ ફીડરો એગ્રીકલ્ચરના બંધ થઇ ગયાનું બહાર આવ્યું છે, તો ૧૨ ગામડામાં અંધારપટ છવાયાનું અને ૫૯ થાંભલા પડી ગયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન રાજકોટ સીટીમાં કુલ ૧૮ જેટલી વ્યકિતગત ફરીયાદો આવી હતી, જેમાંથી ૧૪નો નિકાલ થયો છે, રાજકોટના તમામ ૨૨૦ ફીડરો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવેલ. જો કે મોડી રાત્રીના કડાકા - ભડાકા - ભારે વરસાદને કારણે ૬૬ કે.વી. સબસ્ટેશનમાં ફોલ્ટ આવતા અનેક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો, જે કલીયર કરી લેવાયો હતો.