કોરોના વાયરસના કારણે રાજુલાની રામકથા મુલત્વી રાખતા પૂ. મોરારીબાપુ
રાજુલામાં આયોજીત 'માનસ મંદિર' શ્રીરામકથાનો ત્રીજા દિવસે જાહેરાતઃ બાકી રહેતી ૭ દિવસની કથા જો સાનુકુળ વાતાવરણ હશે તો ૧લી એપ્રિલથી યોજાશેઃ આરોગ્ય સેવા માટે દાતાઓ વરસી પડયા : કાયમ પ્રસન્ન રહે તે સાચુ મનમંદિરઃ પૂ. મોરારીબાપુઃ મંડપમાં દરરોજ રામાયણના પાઠનું મહુવા ગુરૂકુળના બાળકો ગાયન કરશે

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા, તા. ૧૬ :. 'કાયમ માટે પ્રસન્ન રહે તે જ સાચુ મન મંદિર છે' તેમ પૂ. મોરારીબાપુએ રાજુલામાં આરોગ્ય સેવાના લાભાર્થે આયોજીત 'માનસ મંદિર' શ્રીરામકથાના ત્રીજા દિવસે જણાવ્યુ હતું.
આજે પૂ. મોરારીબાપુએ બપોરે શ્રી રામકથા વિરામ સમયે કોરોના વાયરસના કારણે આ કથા ૧૫ દિવસ માટે મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ ન બગડે તે માટે અગમચેતી ભાગરૂપે અને રાજ્ય સરકારના આદેશ મુજબ આ કથાને આજે ત્રીજા દિવસે વિરામ આપવામાં આવ્યો છે અને હવે પછી ૧લી એપ્રિલથી આ કથા ફરીથી અહીં શરૂ કરવામાં આવશે, પરંતુ જો વાતાવરણ સાનુકુળ હશે તો.
રાજુલામાં આયોજીત શ્રી રામકથા સ્થળે મંડપ અને સમીયાણો જે તે સ્થિતિમાં જ રાખવામાં આવશે. કથા સ્થળે મહુવા ગુરૂકુળના બાળકો દ્વારા દરરોજ રામાયણના પાઠ ગવાશે.
શ્રીરામકથામાં દરરોજ મોટા પ્રમાણમાં દાતાઓ દ્વારા દાન કરવામાં આવી રહ્યુ હતુ અને ત્રણ દિવસમાં અનેક દાતાઓ વરસી પડયા હતા.
જેમા ભોળાભાઈ લાખણોતરા ૧,૫૧,૦૦૦, હાસ્યકાર જગદીશ ત્રિવેદી ૭,૦૦,૦૦૦, સવજીભાઈ ધોળકિયા (બાંધકામ) ૬૧,૦૦,૦૦૦, કુમારી શૈલજાનીરજા (અમેરિકા) ૧,૨૫,૦૦૦, ધીરૂભાઈ દુધાત (સુરત) ૨૧,૦૦૦, મહેશભાઈ પટેલ (અમેરિકા) ૧,૦૦,૦૦૦, નિશી રીતેશ શાહ (લંડન) ૨૭,૦૦૦, નાનજીભાઈ મેખિયા ૧૧,૦૦૦, રાજુલા ભરવાડ સમાજ ૧,૧૧,૧૧૧, કપિલ ઉમિયાશંકર જોશી ૫૧,૦૦૦, ઈન્દીરા પી. પટેલ ૧,૦૦,૦૦૦ કુલ રૂ. ૭૪,૯૭,૧૧૧નું દાન પ્રાપ્ત થયુ છે.
શનિવારે રામપરા-૨ રામદાસબાપુની પાવન ભૂમિમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત ગૌશાળા અને શાળાના લાભાર્થે તથા રાજુલામાં નવનિર્મિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લાભાર્થે પૂ. મોરારીબાપુના કંઠે ભેરાઈ ગામના પાધરે આવેલ ચમત્કારી સાકરીયા હનુમાનજી મંદિર પાસે આજરોજ શ્રીરામકથાનો પ્રારંભ થયેલ છે. કથા પ્રારંભ પૂર્વે બપોરના ૧.૦૦ વાગ્યે વૃંદાવન બાગ રામપરા-૨થી પોથી યાત્રા નિકળી ને ભેરાઈ ગામમાં થઈને પસાર થયેલ ત્યારે ગામલોકો દ્વારા અને બાળાઓ દ્વારા પુષ્પવર્ષા અને પરંપરાગત સામૈયા સાથે સ્વાગત કર્યુ હતુ.