ગોંડલ મહિલા કોલેજના સુપરવાઇઝને ફોનમાં ધમકી : જીતુભાઇ ખાચર સામે ગુન્હો નોંધાયો
મારા પુત્રની રીસીપ્ટ ફાડી નાખતા ફોનમાં ઉગ્રતા થઇ હતી : જીતુભાઇ ખાચર
ગોંડલ,તા.૧૬ : ગોંડલ મહિલા કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી હોય પરિક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુપરવાઇઝર દ્વારા સધન ચેકિંગ પણ કરાઈ રહ્યું હોય દરમિયાન સિનિયર સુપરવાઇઝરને મોબાઇલ ફોન માં ધાક ધમકી મળતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મહિલા કોલેજના સિનિયર સુપરવાઇઝર ગોવિંદભાઈ વેકરીયા એ સિટી પોલીસમાં જીતુભાઈ ખાચર વિરૂધ્ધ ધમકી આપવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જણાવ્યું હતું કે જીતુભાઈ ખાચર નો પુત્ર કોલેજમાં પરીક્ષા આપી રહ્યો હોય તેની પાસેનું સાહિત્ય ઝડપી લેવામાં આવ્યું હતું આ અંગે જીતુભાઈ ખાચર દ્વારા મોબાઇલ ફોન પર ધાક ધમકી આપવામાં આવી છે અને તેની ઓડિયો કિલપ પણ પોલીસને અપાય છે પોલીસે જીતુભાઈ ખાચર વિરૂધ્ધ ૫૦૪ ૫૦૬ ૫૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે જીતુભાઈ ખાચર નો મોબાઇલ પર સંપર્ક કરતાં જણાવ્યું હતું કે પ્રોફેસર વેકરીયા સાથે મોબાઇલ ફોનમાં ઉગ્ર બોલાચાલી થઇ તે સત્ય હકીકત છે પરંતુ મારા પુત્ર પાસે પરીક્ષામાં ચોરી કરવાને લાયક કોઈ સાહિત્ય હતું નહીં અને પ્રોફેસર વેકરીયા એ કોઈ રાગદ્વેષના કારણે મારા પુત્રની પરીક્ષાની રીસીપ્ટ ફાડી નાખી હતી જેથી ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને કાનૂની રાહે ફરિયાદનો જવાબ પણ અમારા દ્વારા આપવામાં આવશે કેટલાંક હિતશત્રુઓ દ્વારા સોશિયલ મીડિયામાં ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે.