મુખ્યમંત્રીને કોંગી ધારાસભ્ય વીરજી ઠુમરની રજૂઆત
પેન્શનરના અવસાન બાદ તેની અપરીણિત દીકરીઓને કાયમ માટે પેન્શન આપો

ગાંધીનગર, તા. ૧૬ :. અમરેલીના કોંગ્રેસી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે રાજ્ય સરકારના પેન્શનરોને તેની હયાતી બાદ તેમની અપરીણિત દીકરીઓને ઉંમરની મર્યાદા વગર કાયમી ધોરણે પેન્શન આપવાની રજૂઆત દોહરાવી છે. તેમણે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.વીરજીભાઈએ પત્રમાં જણાવ્યુ છે કે, પેન્શનરો એવા પતિ-પત્નિના અવસાન બાદ તેમના ઉપર આધારીત ૨૫ વર્ષથી વધુ ઉંમરની અપરીણિત પુત્રીને આજીવન કુટુંબ પેન્શનનો લાભ મળી શકે તે માટેની કોઈ જોગવાઈ નહીં હોવાથી હાલત કફોડી બની જતી હોય છે. આમ કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરીણિત પુત્રીને ઉંમરના બાધ વગર નિયમાનુસાર આજીવન કુટુંબ પેન્શન આપવાની જોગવાઈ છે, ત્યારે ગુજરાતમાં આ પ્રકારની જોગવાઈ નહીં હોવાના કારણે આર્થિક આવકના અભાવે અપરીણિત પુત્રીનું જીવન પણ દોજખ બની જતુ હોય છે. સરકાર દ્વારા તાજેતરમાં મહિલા સશકિતકરણની ૮૩૩ યોજના સાથે બજેટ રજૂ કર્યુ છે. આમ રાજ્યમાં પેન્શનરોની આવી અપરીણિત પુત્રીઓની સંખ્યા બહુ જુજ હોવાથી સરકારને પણ આર્થિક બોજો પડી શકે એમ નથી. એક તરફ સરકાર મહિલા સશકિતકરણની વિવિધ યોજનાઓ બનાવે છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ અપરીણિત પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શનર મળી શકે તે બાબતે નિર્ણય લેવો જોઈએ.(૨-૪)