સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th March 2020

પડધરીના મહિલાનું સ્વાઇન ફલૂથી મોત

સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ જર્મનીથી આવેલા રાજકોટના યુવાનને કોરોનાની શંકા સાથે દાખલ કરાયોઃ રિપોર્ટની જોવાતી રાહઃ ધોરાજીના મહિલાનો રિપોર્ટ નેગેટીવઃ સ્વાઇન ફલૂ લાગુ પડ્યો તો એ શાપર વેરાવળનો ૯ વર્ષનો બાળક સાજો થતાં રજા અપાઇ

રાજકોટ તા. ૧૬: સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોનાનો કાતિલ વાયરસ સતત ભય ફેલાવી રહ્યો છે. કોરોનાને પગલે દેશ-રાજ્યોમાં મહામારી ઘોષીત કરી આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ રોગ સામે સતત જાગૃત રહેવા તંત્ર લોકોને સુચન કરી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાની શંકા દેખાય તેવા દર્દીઓ માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. તો સ્વાઇન ફલૂ વોર્ડ પણ કાર્યરત છે. આ વોર્ડમાં દાખલ પડધરીના મહિલાની મોત નિપજ્યું છે. તેનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવ હતો.

જાણવા મળ્યા મુજબ પડધરી રહેતાં આશરે ૪૫ વર્ષના મહિલાને થોડા દિવસ પહેલા સ્વાઇન ફલૂના લક્ષણો દેખાતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં રિપોર્ટ થતાં તે પોઝિટીવ જાહેર થયો હતો. એ પછી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન શનિ-રવિની મોડી રાતે આ મહિલાનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

નોંધનીય છે કે શાપર વેરાવળના ૯ વર્ષના બાળકને અમદાવાદ હૃદયના ઓપરેશન માટે લઇ જવાયો ત્યારે તેનો રિપોર્ટ થતાં સ્વાઇન ફલૂ પોઝિટીવ જાહેર થયો હતો. આ બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર બાદ બાળકની તબિયત સારી થઇ જતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

કોરોનાની અસર તળે રાજકોટના એક ૨૫ વર્ષના યુવાનને સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી નમુના લઇ જામનગર લેબોરેટરીમાં મોકલાયા છે. તેનો રિપોર્ટ આજે આવશે. ધંધાના કામ સબબ આ યુવાન જર્મની ૧૮/૨ના રોજ ગયો હતો. ધોરાજીના એક મહિલાને પણ કોરોનાની શંકા પરથી દાખલ કરી રિપોર્ટ કરાવાયા હતાં. તેમનો રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે. આ મહિલા સાઉદી અરેબીયાથી આવ્યા હતાં.  રાજકોટ જીલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ ગ્રામ્યમાં ૨૯ અને શહેરમાં ૬૦ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.

 

(12:27 pm IST)