મોરબીના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજાને વિપક્ષ નેતાનું તેડું આવતા ગાંધીનગર પહોંચ્યા

મોરબી, તા. ૧૬ : રાજયસભાની ચુંટણી નજીક હોય અને બંને પક્ષો બેઠકો જીતવા કાવાદાવા કરી રહ્યા છે તો ભાજપની ભાંગફોડની રણનીતિથી બચવા કોંગ્રેસ તેના ધારાસભ્યોને સુરક્ષિત સ્થાને ખસેડી રહી છે દરમિયાન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રવિવારે તેડું આવતા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
રાજયસભાની બેઠકો અંકે કરવા ભાજપ મરણીયા પ્રયાસો કરી રહ્યું છે અને ખરીદ વેચાણ કરી ધારાસભ્યોને તોડવાની રણનીતિ પણ ભાજપ અમલમાં મૂકી સકે તેવા ભયને પગલે કોંગ્રેસ દ્વારા તેને અનેક ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર ખાતેના રિસોર્ટમાં ગઈકાલે ખસેડવામાં આવ્યા છે જોકે સૌરાષ્ટ્રના અનેક કોંગી ધારાસભ્યો હજુ પોતાના દ્યરે જ હોય જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ રવિવારે સવાર સુધી મોરબી જ હતા જોકે વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું તેડું તેમને આવ્યું હતું જેને પગલે તેઓ રવિવારે સવારે નીકળીને ગાંધીનગર પહોંચ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રવિવારે સવારે નેતા વિપક્ષની મળેલી સુચના અનુસાર ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગાંધીનગર જવા સવારે રવાના થયા હતા તેવું સુત્રો જણાવી રહયા છે તો બ્રિજેશ મેરજાને પણ જયપુર કે અન્ય સ્થળે ખસેડાય છે કે પછી ગાંધીનગર ખાતે જ કોંગ્રેસી છાવણીમાં રાખવામાં આવે છે તે જોવું રહ્યું જોકે રાજયસભાની ચુંટણીને પગલે કોંગ્રેસ પક્ષમાં કોઈ ફૂટ ના પડે અને જુથવાદથી તેમજ ભાજપની ભાંગફોડ નીતિ થી બચવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તમામ કદમો ઉઠાવી રહ્યા છે