પોરબંદરમાં બોર્ડની પરીક્ષાના પેપરો પહોંચાડવામાં ટેક્ષી પાસીંગ વાહનોને બદલે ખાનગી વાહનોનો ઉપયોગ !
વાહનના ઉપયોગના પરીપત્રનો અમલ થતો નથીઃ એનએસયુઆઈ દ્વારા રજૂઆત(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :. હાલ ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષાના પેપરો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા અને લેવા માટે વાહન વ્યવસ્થામાં બોર્ડના પરિપત્ર મુજબ ટેક્ષી પાસીંગ વાહનના ઉપયોગને બદલે ખાનગી વાહનનો ઉપયોગ કરવા સામે એનએસયુઆઈ દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. શિક્ષણાધિકારીએ આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની ખાતરી આપીને યોગ્ય કરીશુ તેમ જણાવ્યુ હતુ.
હાલ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોય જેમાં સ્કવોડના અધિકારીઓને ચેકીંગ માટે પરીક્ષા કેન્દ્ર પર મુકવા તેમજ વિદ્યાર્થીઓના પેપર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે. આ વાહન સરકાર અને બોર્ડના પરિપત્ર મુજબ ટેક્ષી પાસિંગ વાહનો જ હોવા જોઈએ પરંતુ પોરબંદર જિલ્લામાં ખાનગી વાહનો આ પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવામાં મુકવામા આવ્યા છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો તેમની જવાબદારી કોની રહેશે ?? તે પ્રશ્નની ચર્ચા થઈ રહી છે.
બોર્ડની પરીક્ષાના પરિણામની ગોપનિયતા જળવાઈ રહે તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ વિભાગ આ બાબતે ઘોરનિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. પરિપત્રને ઉલાળ્યો કરી રહ્યુ છે. આ બાબતે તપાસ થવી જોઈએ અને તાત્કાલીક ધોરણે પરિપત્રનો અમલ થવો જોઈએ તેવી માંગ કરાઈ હતી.
આ બાબતે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ એ શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવા જાણવા મળ્યુ હતું કે આ બધા વાહનોની નોંધ ઉપરથી કરવામાં આવતી હોય છે તેમના દ્વારા જ વાહનો ફાળવવાના આવતા હોય છે પરંતુ રજૂઆતને પગલે અમો ઉપર આ બાબતે વાતચીત કરી પરિપત્ર મુજબ યોગ્ય કરીશું.