ઝગડો થતા સગર્ભા પત્નીને મૂકી પતિ ચાલ્યો ગયો : ૧૮૧ અભયમે દંપતિને એક કર્યું
ખંભાળીયા રેલવે સ્ટેશન પર રડતી મહિલા ઉપર વુમન પો.કોન્સ.ની નજર પડી અને મળી મહિલાને મદદ
ખંભાળીયા, તા. ૧૬ : ખંભાળીયાના દંપતિ વચ્ચે ઝગડો થતાં રેલવે સ્ટેશન પર સગર્ભા પત્નીને પતિ છોડીને ચાલ્યો જતા સગર્ભા મહિલાની યોગ્ય સમયે યોગ્ય મદદ ૧૮૧ અભયમે કરી પતિ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, દ્વારકા જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ માનસીબેન કણજારીયા બે દિવસ પૂર્વે બહારગામથી ટ્રેન મારફત રાત્રે ૧૧ વાગ્યે ખંભાળીયા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતાં ત્યારે તેમની નજર એક રડતી એકલી મહિલા પર પડતા તેની પૂછપરછ કરી હતી. મહિલા અને તેનો પતિ ખંભાળીયા આવ્યા હતાં અને બન્ને વચ્ચે ઝગડો થતાં પતિ તેણે છોડીને ચાલ્યો ગયો છે અને પોતાને આઠ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. મહિલાની વાત સાંભળી પો.કોન્સ માનસી કણજારીયાએ ખંભાળીયા લોકેશન ૧૮૧ હેલ્પલાઇનમાં આ બાબતે જાણ કરતા કાઉન્સીલર રાધીકા અંસારી, પો.કોન્સ. પુજા વાળા તથા પાયલોટ ભાવેશ ચાવડા રેલવે સ્ટેશનના લોકેશન પર પહોંચી મહિલાની વિસ્તૃત પૂછપરછ હાથ ધરી ગાડીમાં બેસાડી તેનું કાઉન્સીલીંગ કરતા મહિલાએ સમગ્ર હકીકત વર્ણવતા તેમના ઘરના એડ્રેસ પર લઇ જઇ ઘરે હાજર પતિ સાથે બેસાડી બન્નને સમજાવ્યા હતાં અને પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્નીની માફી માંગી હવે આવી ભુલ કયારેય નહીં થાય અને તેને ધ્યાન રાખશે. તેમ જણાવી બંન્ને વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને જરૂર પડયે ૧૮૧ અભયમની મદદ લેવા માટે મહિલાને જણાવ્યું હતું.